નવી દિલ્હીઃ વડા પ્રધાને તેમના નરેન્દ્ર મોદી એપ પર ૨૨મી નવેમ્બરે નોટબંધીના મામલે જનતાનો અભિપ્રાય માગ્યો હતો. સરવેમાં વડા પ્રધાને જનતાને ૧૦ સવાલ કર્યા હતા. ૨૩મીએ મોદીએ ટ્વિટ કરીને ૩૦ કલાકમાં મળેલા અભિપ્રાયને જનતા સમક્ષ રજૂ કર્યો હતો. જે પ્રમાણે ૯૮ ટકા જનતા માને છે કે, દેશમાં કાળું નાણું છે. ૯૦ ટકાએ નોટબંધીના મોદી સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. માત્ર બે ટકા લોકોએ કહ્યું કે નોટબંધીનું પગલું એક ખરાબ અનુભવ છે. સર્વે મુજબ ૯૯ ટકા લોકો એવું માને છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે મક્કમતાથી લડવાની અને આ બદીઓને જડમૂળથી નાબૂદ કરવાની જરૂર છે.
સરવેમાં ૩૦ કલાકમાં પાંચ લાખ લોકોએ અભિપ્રાય આપ્યા હતા. નાગરિકોએ જણાવ્યું હતું કે, નોટબંધીથી અમને મુશ્કેલી તો પડી છે, પરંતુ એક મોટા પગલાં સામે આ મુશ્કેલી કોઇ વિસાતમાં નથી. મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, આ સરવેમાં લોકોની ઐતિહાસિક ભાગીદારી માટે હું આભારી છું. લોકોના ઊંડા વિચાર અને અભિપ્રાય વાંચી સંતોષ અનુભવી રહ્યો છું. સરકારનો દાવો છે કે કોઇ રાજકીય અને નીતિવિષયક નિર્ણય પર ભારતમાં પહેલાં આ પ્રકારનો સરવે ક્યારેય હાથ ધરાયો નથી.


