નવી દિલ્હી: ઇન્કમટેક્સ વિભાગે નોટબંધી પહેલાં અને પછી આવકમાં વિસંગતિની આશંકાએ ‘વિગતવાર સ્ક્રૂટિની’ માટે ૨૦,૫૭૨ ટેક્સ રિટર્ન પસંદ કર્યા છે. વિભાગને તેમાં વાસ્તવિક કમાણી છુપાવાઈ હોવાની શંકા છે વધુમાં વિભાગે કથિત કરચોરીની ‘વ્યાપક આશંકા’ હોય તેવા એક લાખ કેસ અલગ તારવ્યા છે. જેની વિગતવાર તપાસ કરવામાં આવશે તેમ ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્કમટેક્સ વિભાગે વિગતવાર સ્ક્રૂટિની માટે એવા ૨૦, ૫૭૨ ટેક્સ રિટર્ન્સ પસંદ કર્યા છે.
બેનામી સંપત્તિ મામલે અમદાવાદ પ્રથમ
આઈટી વિભાગે બેનામી સંપત્તિની સામે તેના સસ્ટેન્ડ એક્શન પ્લાન’ના ભાગરૂપે રૂ. ૧૮૨૨ કરોડની બેનામી અસ્કામતો ટાંચમાં લીધી છે. સીબીડીટીના ચેરમેન સુશિલ ચંદ્રાએ કહ્યું કે ઓકટોબર સુધીમાં આવકવેરા વિભાગે રૂ. ૧૮૩૩ કરોડની અસ્કયામતો ટાંચમાં લીધી છે. બેનામી સંપત્તિના સૌથી વધુ ૧૩૬ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારબાદ ભોપાલ (૯૩), કર્ણાટક-ગોવા (૭૬), ચેન્નઈ (૭૨), જયપુર (૬૨), મુંબઈ (૬૧), દિલ્હી (૫૫),માં કેસ નોંધાયા છે.
૨.૨૪ લાખ કંપનીને તાળા
કેન્દ્ર સરકારે દેશભરમાંથી આશરે ૨.૨૪ લાખ કંપનીઓને તાળા મારી દીધા છે. સરકારે દાવો કર્યો છે કે આ કંપનીઓ સક્રિય ન હોવાથી તેમજ તેની ગેરરીતિઓ સામે આવી હોવાથી તેને બંધ કરાઈ છે. મોટા ભાગની કંપનીઓ માત્ર કાગળ પર હતી અને કાળા નાણાં ધોળા કરવાતેનો ઉપયોગ થતો. નોટબંધી પહેલાં અને બાદમાં આ કંપનીઓના બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન બાદ સરકારે તપાસ હાથ ધરી હતી.
૫૬ જેટલી બેંકોએ કંપનીઓ અંગે શંકા વ્યક્ત કરી હતી, જેની તપાસમાં જણાયું હતું કે આશરે ૩૫૦૦૦ જેટલી કંપનીઓના ૫૮,૦૦૦ ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા. જેની કિંમત આશરે રૂ. ૧૭,૦૦૦ કરોડ આંકવામાં આવે છે. આ રકમ નોટબંધી બાદ ખાતામાં જમા થઇ અને બાદમાં ટૂંકા જ ગાળામાં ઉપાડી પણ લેવાઈ હતી. એક કેસમાં તો એવું પણ સામે આવ્યું છે કે આ કંપનીના ખાતામાં નોટબંધી પહેલા એક પણ રૂપિયો નહોતો અને નોટબંધી બાદ રૂ. ૨૪૮૪ કરોડ જમા કર્યા અને થોડા દિવસમાં નાણાં ઉપાડી પણ લેવામાં આવ્યા હતા.


