નવી દિલ્હીઃ નાગરિકોને નવેમ્બર ૨૦૧૬માં રદ કરાયેલી રૂપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની નોટ સરકારમાં જમા કરાવવાની હવે વધુ કોઈ તક આપવાનો કેન્દ્રીય નાણામંત્રાલયે ઇનકાર કર્યો છે. સરકાર હવે કહે છે કે, રદ કરાયેલી તમામ નોટ રિઝર્વ બેન્ક પાસે પાછી આવી ગઈ છે. આર્થિક બાબતોના સચિવ એસ. સી. ગર્ગે ગુરુવારે જણાવ્યું હતું કે, અત્યારે એવી કોઈ શક્યતા નથી. નોટબંધી બાદ રિઝર્વ બેન્ક પાસે જમા થયેલી નોટો અંગે થઈ રહેલી સરકારની ટીકા પર નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, નોટબંધીનાં ધાર્યાં પરિણામ આવ્યાં છે. મધ્યમ અને લાંબા ગાળે અર્થતંત્ર પર તેની અસરો દેખાશે. બેન્કોમાં જમા થયેલાં નાણાં કાયદેસરનાં જ છે તેમ માની લેવાની જરૂર નથી. નોટબંધી બાદ કાળું નાણું સંપૂર્ણ નાબૂદ થયું છે તેવો કોઈ દાવો કરી શકે નહીં. જીએસટી અને નોટબંધી સીધા કરવેરામાં મહત્ત્વનો વધારો કરશે.
જેટલીએ જણાવ્યું હતું કે, એક વાર જીએસટીની વ્યવસ્થા બરાબર ગોઠવાઈ ગયા બાદ જીએસટીના ટેક્સ સ્લેબમાં ઘટાડો થઇ શકે છે.
આવકવેરા વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે, નોટબંધી બાદ રૂપિયા ૨.૮૯ લાખ કરોડ જમા કરાવનારાં ૯.૭૨ લાખ લોકોની આવકવેરા વિભાગ ચકાસણી કરી રહ્યું છે. આ રકમ ૧૩.૩૩ લાખ બેન્કખાતાઓમાં જમા કરાવાઈ છે, તે ઉપરાંત આવકવેરા રિટર્ન નહીં ભરનારા એક કરોડ કે તેથી વધુની ૧૪,૦૦૦ સંપત્તિના માલિકોની ચકાસણી ચાલી રહી છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ નોટબંધીને પ્રચંડ નિષ્ફળતા તરીકે સ્વીકારી દેશની માફી માગવી જોઈએ. પિૃમ બંગાળનાં સીએમ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે આરબીઆઈનો રિપોર્ટ દર્શાવે છે કે મોટું કૌભાંડ આચરાયું છે.