નોટબંધીનો એક મહિનોઃ ભારતમાં ક્યા મોરચે કેવી હલચલ?

Friday 09th December 2016 04:52 EST
 
 

ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયાને બરાબર એક મહિનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. આની સાથોસાથ જ તેમણે લોકોને સાબદા કરતા કહ્યું હતું કે આ નોટબંધીને કારણે દેશની પ્રજાને ૫૦ દિવસ મુશ્કેલી થશે. દેશમાં છેલ્લા ૭૦ વર્ષથી ફેલાયેલી કાળા નાણાંની બદીનો ધરમૂળથી સફાયો કરવા માટે તેમણે ૫૦ દિવસનો સમય માગ્યો હતો. ૯ અને ૧૦ ડિસેમ્બરે દેશભરમાં એટીએમ બંધ રાખવામાં આવ્યા હતા. ૧૦ નવેમ્બરથી બેંકોની બહાર તો ૧૧ નવેમ્બરથી એટીએમની બહાર લાંબી કતારો લાગી હતી. વડા પ્રધાનની જાહેરાતને જાહેરાતને એક મહિનો થયો છે ત્યારે ૩૦ દિવસમાં ક્યાં કેવી રીતે પરિસ્થિતિ બદલાઈ છે તેના પર એક નજર...

લાંબી લાઈનો યથાવત્

બેંક અને એટીએમમાં લાગતી લાઈનો હજુ જૈસે થે છે. એટીએમમાં પૈસા ક્યારે આવે છે અને ક્યારે ખલાસ થઇ જાય છે તેની લોકોને ખબર જ પડતી નથી. એક અંદાજ મુજબ દેશમાં બે લાખથી વધુ એટીએમમાંથી માત્ર ૩૫ ટકા જ કાર્યરત છે. હજુ ઘણા એટીએમને રિકેલિબ્રેટ (રૂ. ૫૦૦ અને ૨૦૦૦ની ચલણી નોટ ઇસ્યુ કરી શકે તે માટે તૈયાર) કરવાના બાકી છે.

૨૫થી વધુ જાહેરાતો

વિવિધ સુવિધા અને વ્યવસ્થાઓ અંગે રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ સમયાંતરે ૨૫ કરતાં વધુ જાહેરાતો કરી છે. ચાર રવિવાર બાદ કરો તો દરરોજ એક.

સંસદની કાર્યવાહી ઠપ...

નોટબંધીની જાહેરાતના સાત દિવસ બાદ એટલે ૧૬ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. જોકે ત્યારથી આજ સુધીમાં એક પણ દિવસ કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકી નથી.

૨૭ બેન્ક ઓફિસર સસ્પેન્ડ

ભારત સરકારના નોટબંધીના નિર્ણય બાદ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ કાળાબજારીયા સહિત બેન્ક અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે ૨૭ ભ્રષ્ટ ઓફિસરોને સસ્પેન્ડ અને ૬ ઓફિસરની ટ્રાન્સફર કરવામાં આવી છે. આ અધિકારીઓ એક યા બીજા પ્રકારે જૂની ચલણી નોટોની ગેરકાયદે અદલાબદલીથી માંડીને નવી ચલણી નોટોને ઇસ્યુ કરવામાં નિયત ગાઇડલાઇનનો ભંગ કરવામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં પુરવાર થયું છે.

૧૦ નવેમ્બરથી ૫ ડિસેમ્બરઃ કેટલી નોટ છપાઇ?

રૂ. ૮૫,૦૦૦ કરોડ (૧૦૦ની ૮૫૦ કરોડ નોટ)
રૂ. ૯,૦૦૦ કરોડ (૫૦ની ૧૮૦ કરોડ નોટ)
રૂ. ૬,૨૦૦ કરોડ (૨૦ની ૩૧૦ કરોડ નોટ)
રૂ. ૫,૭૦૦ કરોડ (૧૦ અને ૫૭૦ કરોડ નોટ)
કુલ રૂ. ૧,૦૫,૯૦૦ કરોડ (૧૦૦, ૫૦, ૨૦, ૧૦ની નોટનું કુલ મૂલ્ય)

૩૦ દિવસમાં અર્થતંત્રમાં કેટલી નોટો આવી અને ગઈ...?

• નોટબંધી પહેલાં આશરે ૧૪ લાખ કરોડ રૂપિયા એટલે કે કુલ રકમના ૮૬ ટકા કિંમતની રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાં હતી.

• ૧૦ નવેમ્બરથી ૫ ડિસેમ્બર સુધી બેંકોમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો સ્વરૂપે ૧૧.૫૦ લાખ કરોડ રૂપિયા (૭૬ ટકા)ની નોટ જમા કરાવવામાં આવી હતી.
• ૧૦ નવેમ્બરથી ૫ ડિસેમ્બર દરમિયાન ભારતીય રિઝર્વ બેંકે ૩.૮૧ લાખ કરોડ રૂપિયા બેંકોને પહોંચાડ્યા હતા.
• આ રકમમાં ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની ૧૯૧૦ કરોડ નોટ છાપવામાં આવી હતી. જેનું કુલ મૂલ્ય ૧ લાખ ૫ હજાર ૯૦૦ કરોડ રૂપિયા છે.

હવે આગળનું પગલું શું હોય શકે?...

બેંકોનું માનવું છે કે ૨.૬૦ લાખ કરોડ રૂપિયાની જૂની ચલણી નોટ તેમની પાસે પરત આવશે નહીં. હજુ ૨૦ દિવસ બાકી છે અને ૨૪ ટકા જૂની નોટો પરત આવવાની બાકી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)થી માંડીને આવકવેરા વિભાગ (આઇટી) સહિતની અનેક એજન્સીઓ દ્વારા ભારતભરમાં છાપામારી ચાલુ છે. જે ૩૦ ડિસેમ્બર સુધીમાં વધુ સઘન બનાવાશે. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી ચલણી નોટો બેન્કોમાં જમા કરાવવાનો આ અંતિમ દિવસ છે. ઈડીથી માંડીને આઇટી સહિતની એજન્સીઓ આર્થિક વ્યવહારો પર નજર રાખી છે. બેંકો જેવા સહિતના આર્થિક સંસ્થાનોનો પણ આમાં સમાવેશ થાય છે.
૧૫ ડિસેમ્બર સુધી જૂની નોટો પેટ્રોલ પંપ અને એરપોર્ટ સિવાય સરકારી હોસ્પિટલો અને દવાની દુકાનો પર ચાલશે. જોકે રેલવે અને બસ ટિકિટ કાઉન્ટ પર જૂની નોટો ૧૦ ડિસેમ્બર સુધી જ સ્વીકારાશે.
કેશલેસ આર્થિક વ્યવહારને પ્રોત્સાહન આપવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતી ૨૦૦૦ રૂપિયા સુધીની લેવડદેવડને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવી કરન્સી નોટ છાપવાનું કામ ચાલુ જ રહેશે. બેંકો સુધી પૂરતી કેશ પહોંચવામાં લગભગ ચાર મહિના સમય લાગે તેવી શક્યતા છે.
૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની નવી નોટ પણ બજારમાં આવે તેવી શક્યતા છે. ૧૦૦૦ની નવી નોટ બહાર પાડવાની રિઝર્વ બેંકની હાલ તૂર્ત કોઈ યોજના નથી.
ભારતીય રિઝર્વ બેંકે કબૂલ્યું છે કે આવનારા સમયમાં દેશનો વિકાસ દર ૭.૬ ટકાથી ઘટીને ૭.૧ ટકા થવાની સંભાવના છે.

કરોડોની નવી કરન્સી ઝડપાઇ...

આઠ નવેમ્બરે વડા પ્રધાને નોટબંધીની જાહેરાત કરી તેના બે દિવસ બાદથી ઠેર ઠેર લોકો પૈસા ઉપાડવા માટે બેંકોની સામે લાઈનો લગાવીને ઊભેલા જોવા મળે છે. એક તરફ લોકો પાસે રોજબરોજના ખર્ચને પહોંચી વળવા માટે રોકડ નાણાં નહોતા ત્યાં અમુક એવા કિસ્સા એવા પણ બહાર આવ્યા છે, જેમાં વગદાર લોકો પાસેથી કરોડો રૂપિયાની નવી ચલણી નોટો મળી આવી છે.

• ૮ ડિસેમ્બરઃ ચેન્નાઈથી રૂ. ૯૦ કરોડની કરન્સી જપ્ત
• ૭ ડિસેમ્બરઃ ગોવાથી એક કરોડ રૂપિયાની નવી કરન્સી જપ્ત
• ૬ ડિસેમ્બરઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના એક ભૂતપૂર્વ નેતા ૩૩ લાખ રૂપિયાની નવી નોટ સાથે પકડાયા
• ૪ ડિસેમ્બરઃ ઉડુપીથી ૩ લોકો પાસેથી રૂ. ૭૧ લાખની કિંમતની ૨૦૦૦ની નોટ મળી આવી હતી.
• ૪ ડિસેમ્બરઃ ભોપાલમાં ૮.૬૦ લાખની નવી નોટ પકડાઈ
• ૪ ડિસેમ્બરઃ ઓડિસાના સંબલપુરમાં ૮૫ લાખ ૬૨ હજાર રૂપિયાની નવી નોટો સાથે ૮ વ્યક્તિને પકડવામાં આવ્યા
• ૨ ડિસેમ્બરઃ હૈદરાબાદમાં ૨૦૦૦ની નવી નોટ ઝડપાઈ, જેનું મૂલ્ય હતું રૂ. ૯૫ લાખ
• ૧ ડિસેમ્બરઃ બેંગ્લોરમાં ૪.૭ કરોડ રૂપિયાની કિંમતની ૨૦૦૦ની નોટ પકડાઈ
• ૨૬ નવેમ્બરઃ દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી ૨૭ લાખ રૂપિયાની નવી નોટ સાથે બે વ્યક્તિઓની ધરપકડ
• ૨૬ નવેમ્બરઃ અમદાવાદથી ૨૦૦ની ૫૦૦ નોટ એટલે કુલ ૧૦ લાખની નવી નોટ મળી આવી.
• ૨૪ નવેમ્બરઃ અજમેર જીઆરપીએ ૨૦૦૦ના બંડલ સાથે ૨ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
• ૧૧ નવેમ્બરઃ તમિલનાડુમાં ૨૦૦૦ની ૩૬,૦૦૦ નોટ પકડાઈ

આ મામલાઓ મોટી રકમના છે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યો, પ્રદેશમાં લોકો પાસેથી લાખો રૂપિયાની નવી કરન્સી મળી આવી હોવાના અહેવાલ છે. આમ જનતા રૂ. ૨૦૦૦ની એક ચલણી નોટ માટે તરસી રહ્યા છે ત્યારે આ લોકો પાસે લાખો રૂપિયાની નવી ચલણી નોટો ક્યા પ્રકારે આવી છે તેની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ઇડી સાથે પોલીસ સહિતની વિવિધ તપાસ એજન્સીઓ જોતરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter