નવી દિલ્હીઃ વર્ષોની રાહ જોયા પછી ભારતીય નૌસેનાને સ્કોર્પિયન સિરીઝની પ્રથમ સબમરીન કલવરી પ્રાપ્ત થઈ ગઈ છે. શક્યતઃ નેવી આવતા મહિને એક મોટા કાર્યક્રમમાં એને ભારતીય નૌસેનામાં વિધિવત સ્વીકારવાની તૈયારી કરી રહ્યું છે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી જતી હિલચાલની વચ્ચે નૌસેનાની હાલની સબમરીનો જૂની પુરવાર થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં એડવાન્સ ટેકનોલોજી ધરાવતી આ સબમરીન ભારતીય નૌસેનામાં પ્રવેશ લેશે. મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલી આ સબમરીન દુશ્મનની નજરથી બચી ચોક્કસ નિશાન લગાવી શકે છે. આ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઇલના હુમલા કરી શકે છે.
નૌસેના પાસે હાલમાં જર્મન શિશુમાર ક્લાસની ચાર નાની, રશિયન સિંધુઘોષ ક્લાસની નવ મોટી પારંપરિક સબમરીન છે. આમાંથી ઘણી ખરી ૨૫ વર્ષ પૂરાં કરી ચૂકી છે. હવે સ્કોર્પિયન સિરીઝની છ સબમરીન દેશમાં બનાવવાનો પ્લાન છે. કલવરીનું નામ ટાઇગર શાર્ક પરથી રાખવામાં આવ્યું છે. કલવરી પછી બીજી સબમરીન ખંદેરીનું પણ સમુદ્રમાં અવલોકન શરૂ થઈ ગયું છે. આગામી વર્ષે ખંદેરીને ભારતીય નૌસેનામાં સામેલ કરાશે. ત્રીજી સબમરીન વેલાને આ જ વર્ષે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે. બાકીની સબમરીન ૨૦૨૦ સુધી સામેલ કરવાનું લક્ષ્ય છે.
વિશાળ આયોજન
ભારતમાં ૧૯૯૯માં તૈયાર થયેલા પ્લાન પ્રમાણે ૨૦૨૯ સુધીમાં ૨૪ સબમરીન બનાવવાની યોજના હતી. પ્રથમ પ્રોજેક્ટ P75iહેઠળ સ્કોર્પિયન ક્લાસની છ સબમરીનનું નિર્માણ શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મોડલના વર્તુળમાં છ સબમરીન બનશે, જેમાં કોઈ પ્રાઇવેટ ભારતીય કંપની કોઈ વિદેશી ભાગીદાર સાથે સંધિ કરીને કામ કરશે. જોકે આના ટેન્ડર માટે હજી સમય લાગશે. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે જણાવ્યું હતું કે ભારતને ૨૦૫૦ સુધીના પ્લાનની જરૂર છે. ચીનની પાસે ૭૦ સબમરીન હોવાનું કહેવામાં આવે છે.
બડી દેર ભયી
સ્કોર્પિયન સબમરીનનો પ્રોજેક્ટ મુંબઈસ્થિત મઝગાંવ ડોક અને ફ્રાન્સની કંપની નેવલ ગ્રુપના સહયોગથી ચાલે છે. ફ્રાન્સની કંપની સાથે ટેકનોલોજી ટ્રાન્સફર અંગે પણ સંધિ થઈ છે. આ પ્રોજેક્ટ પાંચ વર્ષ લેટ થઈ ચૂક્યો છે. ૨૦૦૫માં સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સની કંપની ડીસીએનએસ સાથે રૂ. ૨૩૬૫૨ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. કલવરી ૨૦૧૨માં જ નૌસેનામાં સામેલ કરવાનો પ્લાન હતો.