હું સાચો સાબિત થયો, ધન્યતા અનુભવું છું
હું દેશના લોકો સાથે મળીને સુપ્રીમ કોર્ટના ૫ જજની બંધારણ બેન્ચને બિરદાવું છું. હું સાચો સાબિત થયો. ધન્યતા અનુભવી રહ્યો છું કે સુપ્રીમ કોર્ટે મંદિરનિર્માણનો માર્ગ મોકળો કરતા સર્વસંમતિથી ચુકાદો આપ્યો.
- લાલ કૃષ્ણ અડવાણી, વરિષ્ઠ નેતા, ભાજપ
---------------
હિન્દુ-મુસ્લિમની વાત બંધ થવી જોઇએ
અયોધ્યા મામલો હવે આગળ ન વધવો જોઇએ. હવે દેશમાં સાંપ્રદાયિક તણાવને સ્થાન નહીં હોય અને આવા મુદ્દાને હવા નહીં અપાય. દેશ કાયદા અને બંધારણના અમલ પર ચાલે છે. હિન્દુ-મુસ્લિમની વાત બંધ થવી જોઇએ.
- સૈયદ અહેમદ બુખારી, શાહી ઇમામ, જામા મસ્જિદ - દિલ્હી
---------------
ન્યાયિક પ્રક્રિયામાં સૌને વિશ્વાસ
ભારત લોકશાહી દેશ છે. સૌ દેશવાસીઓએ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સ્વીકારવો જોઇએ. ન્યાયિક પ્રક્રિયામાં આપણને સૌને વિશ્વાસ છે. લોકો પરસ્પર શાંતિ-એકતા જાળવી રાખે.
- નીતિન ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન
---------------
ઐતિહાસિક ચુકાદા પર શાંતિ-સૌહાર્દ જળવાઇ રહે
આ એક ઐતિહાસિક ચુકાદો છે, જેને હું આવકારું છું. આ કેસ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. હવે કોઇ નિષ્કર્ષ પર પહોંચ્યો છે. સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઇ રહેવા જોઇએ.
- શ્રી શ્રી રવિશંકર, આધ્યાત્મિક ગુરુ
---------------
૫ માણસ, ૧.૩ અબજ લોકો
૫ માણસ અને એક એવો નિર્ણય કે જેની ૧.૩ અબજ લોકો રાહ જોતા હતા. આ બેન્ચમાં હોવા માટે અસાધારણ હિંમત જોઇએ અને આ નિર્ણય પર પહોંચવા માટે અવિશ્વસનીય દિમાગ. શ્રેષ્ઠ ન્યાયપ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટને સલામ.
- આનંદ મહિન્દ્રા, ઉદ્યોગપતિ
---------------
કોર્ટનો ચુકાદો સૌને ગમે તે શક્ય નથી
અદાલતનો કોઇ પણ ચુકાદો સૌને ગમે જ તે શક્ય નથી. દુનિયાના ઇતિહાસમાં કોઇ પણ ચુકાદાથી કેટલાક લોકો ખુશ થાય છે અને કેટલાક નહીં, પણ દેશની સૌથી મોટી અદાલતનો ચુકાદો ચુપચાપ માની લેવાય એ જ સભ્ય સમાજની જવાબદારી છે.
- જાવેદ અખ્તર, ગીતકાર
---------------
૫ એકરની ઓફર ફગાવી દેવી જોઇએ
આપણે મસ્જિદ માટે ૫ એકર જમીનની ઓફર ફગાવી દેવી જોઇએ. સુપ્રીમ કોર્ટ સુપ્રીમ જરૂર છે, પણ ઇનફિલેબલ એટલે કે અચૂક નથી. જો ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે મસ્જિદ ન તોડી પડાઇ હોત તો પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આ જ હોત?
- અસદુદ્દીન ઓવૈસી,
પ્રમુખ, એઆઇએમઆઇએમ
---------------
લાખો કાર્યકરોનાં બલિદાનને સલામ
સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાખો કાર્યકરોના બલિદાનને સલામ છે. હિન્દુઓ ૪૫૦ વર્ષથી આ સ્થળે મંદિર બનાવવાની માગ કરતા હતા. આ માટે લાખો લોકોએ જીવન અને કરિયરનું બલિદાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે જે જમીન આપી તે આ બલિદાનોને આપેલી શ્રદ્ધાંજલિ છે.
- પ્રવીણ તોગડિયા,
પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, વિહિપ
---------------
આટલું મોટું તપ રામકૃપા થકી જ સંભવ
આટલો મોટો પરિશ્રમ અને આટલું મોટું તપ ભગવાન રામની કૃપાથી જ સંભવ છે. મુસ્લિમ સમાજને અપીલ છે કે પ્રભુ રામ અમારા ભગવાન છે. તેમની સાથે જોડાઈને જ અમારું કલ્યાણ છે.
- સાધ્વી ઋતુંભરા


