નવી દિલ્હીઃ ન્યૂ દિલ્હી ડિકલેરેશનમાં યુક્રેનમાં વ્યાપક, ન્યાયસંગત અને સ્થાયી શાંતિનું આહ્વાન કરવામાં આવ્યું છે. સભ્ય દેશોના વિસ્તારો પર કબજો કરવા માટે તાકાતનો ઉપયોગ અથવા કોઈ પણ દેશની ક્ષેત્રીય અખંડિતતાની વિરુદ્ધ કાર્ય કરવાથી દૂર રહેવાનો આગ્રહ છે. તેમાં જણાવાયું છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ અથવા ઉપયોગની ધમકી અસ્વીકાર્ય હોવી જોઈએ. ઘોષણાપત્રમાં રશિયાનો સીધો ઉલ્લેખ નથી, પણ યુક્રેન યુદ્ધ લખાયું છે. તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે તમામ રાજ્યોએ યુએન ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને અનુરૂપ કાર્ય કરવું જોઈએ. યુએન ચાર્ટરને અનુરૂપ તમામ રાજ્યોએ કોઈ પણ રાજ્યની ક્ષેત્રિય અખંડિતતા અને સંપ્રભુતા અથવા રાજકીય સ્વતંત્રતાની વિરુદ્ધ ક્ષેત્રિય અધિગ્રહણની ધમકી કે બળના ઉપયોગથી બચવું જોઈએ.


