પંજાબ નેશનલ બેંક કાંડઃ ઈડીની નીરવ મોદી સામે પહેલી ચાર્જશીટ

Friday 25th May 2018 07:56 EDT
 
 

મુંબઈઃ પંજાબ નેશનલ બેન્કના રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૪મી મેએ હીરાના વેપારી અને કરોડપતિ નીરવ મોદી અને તેમના સહયોગીઓ સામે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. મુંબઈની પીએનબી બ્રાન્ચ દ્વારા દેશનું સૌથી મોટું રૂ. ૧૪,૦૦૦ કરોડ કરતાં પણ વધારે રકમનું કૌભાંડ પકડાયું હતું.

ટૂંક સમયમાં બીજી ચાર્જશીટ

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અલગ અલગ કલમો હેઠળ આ કેસમાં સ્પેશિયલ ૧૨,૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ધારણા છે કે ઈડી દ્વારા ટૂંક સમયમાં જ નીરવ મોદીના મામા અને ઝવેરી મેહુલ ચોકસી, તેમના સહયોગીઓ અને કંપનીઓ સામે બીજી ચાર્જશીટ ફાઇલ કરાશે. કૌભાંડ બહાર આવ્યા પછી નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી ગયા હતા.

મેહુલ ચોકસીનું રૂ. ૮૫ કરોડનું ઝવેરાત

ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદીની રૂ. ૧૭૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તાજેતરમાં ઈડીએ મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ ગ્રૂપના રૂ. ૮૫ કરોડનાં ૩૪,૦૦૦ નંગ ઝવેરાતને જપ્ત કર્યું હતું. માર્ચ મહિના સુધીમાં ઈડીએ આ કેસમાં તમામ આરોપીની રૂ. ૭,૬૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ કેસમાં ઈડી ઉપરાંત સીબીઆઈ દ્વારા તપાસ કરાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter