પંજાબમાં આમ આદમી પાર્ટીએ સત્તા પર કબજો જમાવ્યો છે અને કોંગ્રેસનો અહીં સફાયો થયો છે. તેવામાં સવાલ ઊઠે છે કે શું પંજાબ કોંગ્રેસ માટે બીજું દિલ્હી બની જશે? હકીકતમાં આ વખતે શરૂઆતથી જ આમ આદમી પાર્ટીનું જોર જોવા મળી રહ્યું હતું અને કોંગ્રેસ પોતાના આંતરિક ખટરાગ અને ટાંટિયાખેંચમાંથી નવરી પડી નહોતી. જેનો ફાયદો ‘આપ’ને થયો હતો. તો બીજી તરફ ‘આપ’ સામે કોંગ્રેસ સિવાય બીજો કોઇ મોટો પક્ષ મેદાનમાં નહોતો.
શિરોમણિ અકાલી દળ અને બસપા ગઠબંધનની કોઇ અસર નહોતી જ્યારે ભાજપ આમ પણ ક્યારેય પંજાબમાં પૂર્ણ ક્ષમતા સાથે લડયો નથી અને ભૂતકાળમાં અકાલી દળ સાથે ગઠબંધન દરમિયાન પણ ભાજપ અહીં હંમેશાં નંબર બે સ્થાન પર રહેતો હતો એટલે પંજાબમાં ભાજપના કોઇ ખાસ હિત દાવ પર નહોતા.
2017માં 20 બેઠક જીતીને આમ આદમી પાર્ટી રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની હતી પણ આ વખતે પાર્ટીએ મોટી સફળતા મેળવી છે. આપ પાર્ટીએ આ વખતે કોંગ્રેસ અને શિરોમણિ અકાલી દળનો સફાયો કરી નાખ્યો છે. કહેવાય છે કે પંજાબનું રાજકારણ અને શિરોમણિ અકાલી દળ લાંબા સમયથી એકબીજાના પૂરક રહ્યા છે.


