પંજાબમાં ભ્રષ્ટાચાર કેસમાં પ્રધાન વિજય સિંગલાની બરતરફી અને ધરપકડ

Tuesday 31st May 2022 08:38 EDT
 
 

ચંડીગઢ: પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર સામે આક્રમક અભિગમ અપનાવતા પોતાના પ્રધાનમંડળના જ એક આરોપી પ્રધાનને ભ્રષ્ટાચારના આરોપસર હોદ્દા પરથી બરતરફ કર્યા છે. ભગવંત માને કહ્યું હતું કે રાજ્યના આરોગ્ય પ્રધાન ડો. વિજય સિંગલા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના પાક્કા પુરાવા મળ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરી છે. બરતરફી બાદ ભટિંડા પોલીસની ભ્રષ્ટાચાર નિરોધક શાખા દ્વારા સિંગલાની ધરપકડ કરવામાં આવી હતી.
હવે રાજ્યની સત્તાધારી આમ આદમી પાર્ટી સિંગલાને પાર્ટીમાંથી તગેડી મૂકવાની પણ તૈયારી કરી રહી છે. સિંગલા પર કોન્ટ્રેક્ટ મંજૂર કરવાના બદલામાં કમિશન માગવાનો આરોપ છે રાજ્ય સરકારના પ્રધાનની બરતરફીના નિર્ણય મુદ્દે મુખ્ય પ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યની જનતાએ ઘણી મોટી આશાઓ સાથે આપની સરકાર પણ બનાવી છે.
ડો. સિંગલા સામે કમિશનખોરીનો આરોપ છે. વિજય સિંગલા અધિકારી પાસે કોન્ટ્રાક્ટર પર એક ટકો કમિશનની માગ કરી રહ્યા હતા. જેની ફરિયાદ મુખ્ય પ્રધાન ભગવંત માનને મળી હતી. આ પછી મુખ્ય પ્રધાન માને વ્યક્તિગત રીતે તે અધિકારીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તેમની પડખે રહેશે અને તેમણે પ્રધાનથી ડરવાની જરૂર નથી. આ પછી ભ્રષ્ટાચારનો કેસ ખુલ્લો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter