પંજાબમાં ૮૦ હજાર પોલીસકર્મીઓએ હરજિત સિંહનો બેઝ લગાવી સૂત્રોચ્ચાર કર્યા

Tuesday 28th April 2020 16:17 EDT
 
 

પતિયાલાઃ કર્ફ્યૂ પાસની માગણી કરતાં ૧૨ એપ્રિલના રોજ ઉશ્કેરાયેલા નિહંગોએ પતિયાલામાં તલવારોથી હુમલો કરીને એસઆઇ હરજિત સિંહનું કાંડુ કાપી નાખ્યું હતું. જોકે તે પછી પીજીઆઇ-ચંડીગઢ ખાતે તબીબોએ સાડા સાત કલાકનું ઓપરેશન કરીને તેનું કાંડુ જોડી આપવા જહેમત કરી હતી.
આ ઘટના બાદ પંજાબ પોલીસના તમામ જવાનોએ સોમવારે ‘મૈં ભી હૂં હરજિતસિંહ’ના નારા લગાવ્યા હતા. પંજાબ પોલીસના ૮૦ હજાર પોલીસ જવાનોની છાતી પર એક જ નામનો બેઝ જોવા મળતો હતો – હરજિતસિંહ. પંજાબ પોલીસના તમામ જવાને એસઆઇ હરજિતની બહાદુરીને અનોખી રીતે સલામી આપી હતી. ડીજીપી દિનકર ગુપ્તાએ પોતાના ગણવેશ પર હરજિતસિંહના નામનો બેઝ જ લગાવ્યો હતો. હરજિત હાલમાં ચંડીગઢની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
પોલીસનું આત્મબળ વધારવા પ્રયાસ
ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું હતું કે આ સંકટભર્યા સમયમાં હરજિતસિંહ અને અન્ય પોલીસકર્મીનું આત્મબળ વધારવા પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે લોકોને પોલીસને સહયોગ કરવા અપીલ પણ કરી હતી. બતાવી આપો કે કોરોના સામેના જંગમાં અગ્રહરોળમાં લડી રહેલા તબીબો અને પોલીસ પર હુમલો થશે તો દેશ એકજૂટ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter