નવી દિલ્હીઃ ઈન્ડિયા ટુડે મેગેઝિન સાથે ૩૩ વર્ષના નોંધપાત્ર કાર્યકાળ પછી સીનિયર ડેપ્યુટી એડિટર અને પ્રખ્યાત લેખક ઉદય માહુરકરની ભારતના ઈન્ફર્મેશન કમિશનરપદે નિયુક્તિ કરાઇ છે. નરેન્દ્ર મોદી સરકારની ભલામણને અનુસરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષપદ હેઠળની સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. શ્રી માહુરકર તેમના નવા હોદ્દા પર જાહેર ક્ષેત્રમાં પત્રકાર તરીકેના વિશાળ અનુભવનું ભાથું લઈને આવ્યા છે. ત્રણ દાયકાથી વધુ સમયગાળામાં તેમણે પત્રકારત્વના તમામ મહત્ત્વના ક્ષેત્રોને આવરી લીધા છે જે, માહિતી અધિકારના કાયદા (Right to Information Act)ના અમલ સંબંધિત તેમના અર્ધ-ન્યાયિક પ્રકારના નવા બંધારણીય પદ સંદર્ભે તેમના માટે અસ્ક્યામત બની રહેશે.
વડા પ્રધાન મોદીના ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ૧૩ વર્ષના કાર્યકાળ વિશે તેમનું પ્રથમ પુસ્તક ‘Centrestage: Inside the Narendra Modi model of Governance (સેન્ટર સ્ટેજઃ ઈનસાઇડ ધ નરેન્દ્ર મોદી મોડેલ ઓફ ગવર્નન્સ) ૨૦૧૪માં પ્રકાશિત થતાં જ રાષ્ટ્રવ્યાપી હેડલાઈન્સમાં છવાઈ ગયા હતા. આ પુસ્તકનું વિમોચન નવી દિલ્હીમાં ઈન્ડિયા ટુડે ગ્રૂપના ચેરમેન શ્રી અરુણ પૂરીએ કર્યું હતું. પુસ્તકની પ્રસ્તાવના અર્થશાસ્ત્રી ડો. જગદીશ ભગવતીએ લખી હતી. જાણીતા પત્રકાર સ્વપ્ન દાસગુપ્તાએ તેને ‘સુશાસન વ્યવસ્થામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મનભાવના’ ઓળખવા આવશ્યક વાંચન ગણાવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ ચળવળના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી બિબેક દેબરોય અને જોધપુરના પૂર્વ રાજવી ગજસિંહજી સહિતના મહાનુભાવોએ આ પુસ્તકની પ્રશંસા કરી હતી.
તેમનું બીજું પુસ્તક Marching with a Billion (માર્ચિંગ વીથ અ બિલિયન) વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીના ત્રણ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ૨૦૧૭માં પ્રસિદ્ધ થયું હતુ. તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીની ઉપસ્થિતિમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન તેમજ દિવંગત નાણા પ્રધાન શ્રી અરુણ જેટલીના હસ્તે રાષ્ટ્રપતિભવનમાં તેનું વિમોચન થયું હતું.
આ પુસ્તકની પ્રસ્તાવના વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સંસ્થાપક અને સ્વિટ્ઝર્લેન્ડમાં વાર્ષિક દાવોસ બિઝનેસ મીટિંગના આયોજક પ્રોફેસર ક્લાઉસ શ્વાબે લખી હતી. પૂર્વ ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાન્દે, બાંગલાદેશના વડા પ્રધાન શેખ હસીના તેમજ ઈન્ફોસીસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિ સહિતના મહાનુભાવો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું.
જે લોકો શાસન વ્યવસ્થા અંગે વડા પ્રધાન મોદીના મનને સમજવાની ઈચ્છા રાખે છે તે સહુ માટે આ બંને પુસ્તક ખરેખર વાંચવાલાયક ગણાય છે. આવશ્યકતા હોય ત્યાં ટીકાત્મક રહેવા છતાં, બંને પુસ્તકો તેમની શાસન વ્યવસ્થાનો સાચો અર્થ અને અર્ક પ્રસ્તુત કરે છે.
પત્રકારત્વની દીર્ઘ કારકિર્દીમાં શ્રી માહુરકર રાજકીય આગાહીઓ કરવાની ક્ષમતા માટે જાણીતા છે. દેશમાં ત્રણ મહાન ભારતીય વ્યક્તિત્વો – ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને યોગગુરુ સ્વામી રામદેવના અભ્યુદયની આગાહી કરનારામાં તેઓ એક હતા.
આ ઉપરાંત, તેમણે મહાન ક્રાંતિ, રાષ્ટ્રવાદી વિચારક અને દીર્ઘદૃષ્ટા વીર સાવરકર સંબંધે નવો વિચાર વિકસાવ્યો હતો, જે અનુસાર જો કોંગ્રેસે સાવરકરના બિનતુષ્ટિકરણના મંત્રને અપનાવી લીધો હોત તો ભારતનું વિભાજન જ થયું ન હોત અને આજે પાકિસ્તાનનું અસ્તિત્વ પણ ન હોત. તેમણે શ્રેણીબદ્ધ લેખો લખીને ભારતના ઈતિહાસમાંથી વિકૃત વર્ણનો દૂર કરવામાં પણ ગણનાપાત્ર યોગદાન આપ્યું છે.


