નવી દિલ્હીઃ પદ્મ વિભૂષણ એવોર્ડ લેવાનો ઇનકાર કરનારા યોગગુરુ બાબા રામદેવે હવે એવું નિવેદન કર્યું છે કે આ એવોર્ડ માટે રાજકીય લોબીંગ હોવું જરૂરી છે અને તેની પસંદગી પ્રક્રિયામાં પણ ભારે દબાણ થતું હોય છે. ‘પદ્મ અને નોબેલ પુરસ્કારોની પસંદગીની પ્રક્રિયામાં ઘણું લોબીંગ થાય છે અને જેની પાસે રાજકીય વગ હોય છે તે એને મેળવવામાં સફળ થાય છે’, એમ રામદેવે કહ્યું હતું. તેમના આ નિવેદનથી વિવાદ પણ સર્જાયો છે.
રામદેવે કહ્યું હતું કે, ‘આખી દુનિયા જાણે છે કે પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા જેટલા પણ પુરસ્કાર હોય છે અને ત્યાં સુધી કે નોબેલ પુરસ્કાર જે કહેવાતા સારા લોકોને આપવામાં આવે છે તેની પાછળ ઘણું લોબીંગ થાય છે. જેમની પાસે રાજકીય વગ હોય તેને એ મળી જાય છે.’ પ્રથમ વિશ્વ યોગ દિવસના અનુસંધાનમાં યોગના પ્રચાર માટે એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમ બહાર રામદેવે આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસ ૨૧ જૂને યોજાશે. રામદેવને આ વર્ષે પદ્મ પુરસ્કાર આપવાનો સંકેત મળ્યો હતો, પરંતુ તેમણે ગૃહ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખીને તેને સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘હું એક સંન્યાસી છું તેમ જ દેશ અને લોકોની સેવા કરવો મારો ધર્મ છે.’ જોકે, પાછળથી એવી વિગતો બહાર આવી હતી કે રામદેવને એવો કોઈ એવોર્ડ આપવાનો નહોતો અને તેમણે બિનજરૂરી સ્પષ્ટતા કરી હતી.