મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ કલાકાર ગુમાવ્યા છે. પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સમ્માનિત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાનું ૯૩ વરસની વયે નિધન થયું છે. તેમણે ૭ મેના રોજ સવારે તેમના મુંબઇસ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ હાઉસ હેલ્પ સાથે એકલા રહેતા હતા.
તેમણે સંગીતકાર તરીકેની કારકિર્દીમાં ‘અંકુર’, ‘ભૂમિકા’, ‘મંથન’, ‘ઝૂનુન’, ‘જાને ભી દો યારો’ સહિત અનેક ફિલમોમાં સંગીત આપ્યું હતું. ‘ભારત એક ખોજ’ સીરિયલના બહુ જાણીતા ગીત ‘સૃષ્ટિ પહેલા સત્ય નહીં થા...’ ગીતનું પણ સંગીત આપ્યું હતું. ૧૯૯૮માં તેમને ‘તમસ’ માટે સર્વશ્રેષ્ટ સંગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ૨૦૧૨માં પદશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે લગભગ સાત હજાર વિજ્ઞાાપનોમાં જિંગલ્સને મ્યુઝિક આપ્યું હતું. તેમણે ફિલ્મોની સાથેસાથે ટીવી સિરીયલોમાં પણ યાદગાર સંગીત આપ્યું હતું.
તેમનો જન્મ ૩૧ મે ૧૯૨૭ના રોજ મુંબઇમાં થયો હતો. તેઓ લંડનની રોયલ એકેડમી ઓફ મ્યુઝિકના ગોલ્ડ મેડાલિસ્ટ હતા.
આ દિગ્ગજ સંગીતકાર વનરાજ ભાટિયા લાંબા સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, તેમની પાસે ગુજરાન ચલાવવા પુરતા પણ પૈસા નહોતા. ૨૦૧૯માં તેમણે પોતાની આર્થિક તંગીની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેમની જમાપુંજી ખૂટી ગઇ હતી. તેઓ પોતાના ઘરની ક્રોકરી તેમજ કિંમતી સામાન પણ વહેંચી નાખીને ગુજરાન ચલાવતા હતા. તેમને સાંભળવામાં પણ તકલીફ હતી તેમજ તેમની યાદશક્તિ પણ નબળી પડી ગઇ હતી. આ પછી બોલીવૂડના ઘણા સિતારોઓ તેમની મદદે આવ્યા હતા.