નવી દિલ્હીઃ ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા પછી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ પહેલું નિવેદન જારી કરતાં જણાવ્યું હતું કે પરાજય છતાં પણ વિચારધારાની લડાઈ જારી રહેશે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે તો મધ્ય પ્રદેશમાં તે ફરીથી સત્તાધીશ થઈ શક્યું નથી. ફક્ત તેલંગણમાં કોંગ્રેસે સત્તા મેળવી છે. આમ સિંહાસનની સેમિફાઇનલમાં કોંગ્રેસનો પરાજય થયો છે.
રાહુલ ગાંધીએ એક્સ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મળેલા જનાદેશનો અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ, પણ વિચારધારાની લડાઈ ચાલુ રહેશે. તેલંગણેના લોકોને મારા ધન્યવાદ. પ્રજાલુ તેલંગણ બનાવવાનું અમારું વચન જરૂર પાળીશું. બધા કાર્યકરોનો તેમની મહેનત અને તેમના સમર્થન માટે આભાર...
ઉલ્લેખનીય છે કે તેલુગુ ભાષામાં પ્રજાલુ શબ્દ એવા લોકો વપરાય છે જે લોકો માટે કામ કરે છે અને તેનાથી વિપરીત દોરાતુ શબ્દ એવા લોકો માટે વપરાય છે જે જમીનદારો માટે કામ કરે છે. તેલંગણમાં કોંગ્રેસના ચૂંટણી અભિયાનનો આ મુખ્ય મુદ્દો રહ્યો છે. તેલંગણમાં કોંગ્રેસે કેસીઆરને ખદેડીને સત્તા કબ્જે કરી છે. રાજ્યમાં કોંગ્રેસને 65 અને બીઆરએસને 39 બેઠક મળી છે.