આઈઝોલ: વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં વિકાસ પ્રોજેક્ટની સોગાદ આપી હતી.
પાંચ રાજ્યોના પ્રવાસના પ્રથમ ચરણમાં વડાપ્રધાન મોદી શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને હજારો કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સની ભેટ આપી. આ પ્રોજેક્ટ્સમાં 8,070 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી બૈરાબી-સૈરાંગ રેલ લાઇનનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ સાથે, મિઝોરમ હવે પહેલીવાર ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાઈ ગયું છે, જે રાજ્ય માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ મિઝોરમની રાજધાની આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાના અન્ય અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં આઈઝોલ બાયપાસ, થેન્ઝોલ-સિયાલસુક અને ખાનકાઉન-રોંગુરામાં કનેક્ટિવિટી વધારવા માટેના વિવિધ વિકાસ કાર્યો સામેલ છે.
મિઝોરમમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં મોદીએ જણાવ્યું કે, ‘હું મિઝોરમના લેન્ગપૂઈ એરપોર્ટ પર છું. કમનસીબે, ખરાબ હવામાનના કારણે હું આઈઝોલના લોકો સાથે રૂબરૂ મળી શક્યો નથી. તેમ છતાં, હું અહીંથી પણ તમારા પ્રેમ અને સ્નેહને અનુભવી શકું છું."
તેમણે ઉમેર્યું કે આજે મિઝોરમ માટે અને દેશ માટે એક ઐતિહાસિક દિવસ છે. આજે આઈઝોલ ભારતના રેલવે નકશામાં સામેલ થઈ ગયું છે. અનેક પડકારોનો સામનો કર્યા બાદ બૈરાબી-સૈરાંગ રેલ લાઇનને વાસ્તવિકતામાં ફેરવવામાં આવી છે. પીએમ મોદીએ આ નવી રેલવે લાઇનને માત્ર એક કનેક્શન નહીં, પરંતુ 'પરિવર્તનની જીવાદોરી' ગણાવી અને કહ્યું કે તે મિઝોરમના લોકો માટે એક નવી ક્રાંતિ સાબિત થશે, જે તેમને સમગ્ર ભારત સાથે જોડશે.
પૂર્વોત્તર રાજ્યો હવે વિકાસના એન્જિન
મોદીએ આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતાં વિપક્ષોને ચાબખાં માર્યા હતા અને કહ્યું હતું કે વોટબેન્કનાં ચક્કરમાં વિપક્ષોએ રાજ્યને ભારે નુકસાન કર્યું છે. છેલ્લા 11 વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકારની નીતિને કારણે આ પૂર્વોત્તરનાં રાજ્યો હવે વિકાસનાં એન્જિન બની ગયા છે. ખરાબ હવામાનને કારણે તેમણે આઈઝોલ પાસે લેંગપુઈ એરપોર્ટ પરથી લોકોને ડિજિટલ માધ્યમથી સંબોધન કર્યું હતું. ભારે વરસાદને કારણે તેઓ લામુઆલ મેદાન સુધી પહોંચી શક્યા ન હતા. તેમણે કહ્યું કે કેન્દ્રની નીતિને કારણે મિઝોરમ એક્ટ ઈસ્ટ નીતિમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.
કલાદાન મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ દ્વારા તેમજ રેલવે લાઈન દ્વારા તે રાજ્યને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડી રહ્યું છે. પીએમ મોદીએ આ પ્રસંગે બૈરાબી-સૈરંગ રેલવે લાઈન શરૂ કરી હતી, જે મિઝોરમની પહેલી રેલવે લાઈન છે. તેમણે કહ્યું કે આ રેલવે લાઈનથી મિઝોરમ દેશનાં રેલવે માનચિત્ર પર સ્થાપિત થઈ ગયું છે.
કનેક્ટિવિટી વધવાથી હવે રાજ્ય મુખ્ય પ્રવાહમાં
મોદીએ કહ્યું કે અનેક પડકારો અને દુર્ગમ વિસ્તારો પાર કરીને આ યોજના સક્રિય કરવામાં આવી છે કનેક્ટિવિટી વધવાથી પુર્વોત્તર રાજ્યોમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ આર્થિક સંબંધો મજબૂત બનશે અને રોજગારીની નવી તકો સર્જાશે. પર્યટનને વેગ મળશે. અગાઉ જેની અવગણના કરવામાં આવતી હતી તે હવે સૌથી આગળ રહેશે અને જે હાંસિયામાં ધકેલાયા હતા તે હવે મુખ્ય પ્રવાહમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે ખોબા જેવડું મિઝોરમ ઉદ્યમશીલતાનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં 4,500 સ્ટાર્ટ અપ્સ અને 25 ઈનક્યુબેટર કાર્યરત છે.