મુંબઇઃ મહારાષ્ટ્રમાં જૈનોના પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરતા ભાજપના સાથીપક્ષ શિવસેના અને રાજ ઠાકરેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એ તેનો આકરો વિરોધ કર્યો છે. શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં લખેલા તંત્રીલેખમાં જણાવ્યું છે કે, હમણાં સુધી ધર્મના નામ પર ધર્માંધ મુસ્લિમોની દાદાગીરી ચાલતી હતી પણ મુસ્લિમોની જેમ લઘુમતી તરીકે ઓળખાવતા જૈન બંધુઓ પણ ધર્માંધતાના રસ્તે જતા હશે તો ભગવાન તેમનું રક્ષણ કરે. જૈન બંધુઓના પર્યુષણ પર્વના સમયગાળામાં માંસાહાર પ્રતિબંધના નિર્ણય પર શિવસેનાએ જૈન બંધુઓને આકરાં શબ્દો સંભળાવ્યાં છે.
સામનામાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ‘મુસ્લિમો માટે તો પાકિસ્તાનની જમીન છે પણ જૈન લોકોની ફાલતું ધર્માંધતા આમ વધતી રહી તો તેમના માટે કઈ જમીન છે? ખેડૂતો સાથે દુશ્મની લેશો તો પછડાટ ખાશો. પછી તમારું આર્થિક સામ્રાજ્ય તોડી પાડતાં સમય નહીં લાગે. પહેલાં પણ જૈનોના પર્યુષણ હતા. પણ કતલખાનાં અને માંસાહાર પર પ્રતિબંધનો વિચાર તે સમયે કોઈને આવ્યો નહોતો. તો પછી હવે કેમ આ જીદપૂર્વક થઇ રહ્યું છે. ધર્માંધતા મુસ્લિમોના માથામાં ભરાઈ અને તેઓ હિન્દુ સમાજના કાયમ માટે દુશ્મન બન્યા. પર્યુષણના નામ હેઠળ મહારાષ્ટ્રને હેરાન ન કરો. જીવો અને જીવવા દો સૂત્રની જેમ જેને જે ખાવું છે તે તેમને ખાવા દો. નાહકની અહિંસાની ધાર્મિક લડાઈ ન કરો એવો ઈશારો આ લેખમાં થયો છે.
મરાઠવાડા સહિત રાજ્યમાં દુકાળની સ્થિતિમાં લોકોને ખાવા માટે અન્ન મળતું નથી ત્યારે જૈનોએ શાકાહાર અને માંસાહાર એવો વિવાદ કરવો નહીં. ઉપરાંત માંસાહાર પર પ્રતિબંધ અમાનવીય અને એક પ્રકારે હિંસા છે.
લોકો જૈનોને હિન્દુ માને છે
સામનામાં વધુ જણાવ્યું છે કે, અમારા સમાજમાં ફક્ત જૈન શાકાહારી છે એવી ગેરસમજ છે. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ, ગુજરાતમાં પટેલ અને મહેશ્વરી, હરિયાણાના વૈષ્ણવો, મધ્ય પ્રદેશ-રાજસ્થાનનો મોટો સમાજ શાકાહારી છે. કર્ણાટક અને મહારાષ્ટ્રની સીમા પરનો લિંગાયત સમાજ ચુસ્ત શાકાહારી છે પણ તેઓ માંસાહારનો વિરોધ કરતા નથી. માંસાહાર પર પ્રતિબંધની માગણી આમાંથી કોઈએ કરી નથી. જૈનોએ આ વાત ધ્યાનમાં લેવી જોઈએ. જૈન ધર્મને કાગળ પર જુદો ધર્મ માનવામાં આવતો હોવા છતાં જૈનોને કોઈ બિનહિન્દુ માનતું નથી. તેમની પ્રથાઓ, પરંપરા, રીતરિવાજો અન્ય સમાજ પ્રમાણે સ્વતંત્ર ભલે છે પણ તેઓ વ્યાપક હિન્દુ સંસ્કૃતિનો એક ભાગ છે.
રાજ ઠાકરેનો પણ વિરોધ
મહારાષ્ટ્રમાં પર્યુષણ દરમિયાન માંસના વેચાણ સામે પ્રતિબંધ મુદ્દે ચાલી રહેલા વિવાદમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ પોતાનો સૂર પૂરાવ્યો છે. તેઓ કહે છે કે, ‘જૈનો હવામાં ના ઉડે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કારણે ગુજરાતીઓ, જૈનોની હિંમત વધી છે. અમે આ મુદ્દાને જૈન વિરૂદ્ધ હિન્દુ તરીકે લઇશું. જો જૈન દિગંબર સાધુઓને નગ્ન ફરવામાં તકલીફ નથી તો, પછી મીટના વેચાણ સામે શું વાંધો છે.’
કાશ્મીરમાં ગૌમાંસ પર પ્રતિબંધ
જમ્મુ અને કાશ્મીર હાઇ કોર્ટે રાજ્યમાં ક્યાંય પણ ગૌમાંસનું વેચાણ ન થાય તેની ખાતરી કરવા પોલીસને જણાવ્યું છે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલા લેવા કહ્યું છે. વકીલ પરિમકોશ સેઠ દ્વારા દાખલ થયેલી જાહેર હિતની અરજી પર ન્યાયમૂર્તિઓ ધિરજસિંહ ઠાકુર અને જનક રાજ કોટવાલની બેંચે આ આદેશ આપ્યો છે.
રાજસ્થાનમાં પણ પ્રતિબંધ
રાજસ્થાન સરકારે જૈનનો પર્યુષણને ધ્યાનમાં રાખીને ૧૭, ૧૮ અને ૨૭ સપ્ટેમ્બરે માંસાહારના વેચાણ સામે પ્રતિબંધ મુક્યો છે. સરકારે રાજ્યભરની તમામ માંસ અને માછલી વેચનારાઓને તેમની દુકાનો બંધ રાખવા આદેશ આપ્યો છે. ૧૭એ પર્યુષણ, ૧૮ સપ્ટેમ્બરે ‘સંવતસરી’ અને ૨૭ સપ્ટેમબરે ‘અનંત ચતુર્દશી’ છે.