પવનદીપ રાજન ‘ઈન્ડિયન આઈડોલ ૧૨’નો વિનર

Thursday 19th August 2021 07:30 EDT
 
 

મુંબઇઃ ગયા વર્ષે શરૂ થયેલા મ્યૂઝિક રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલની ૧૨મી સિઝન રવિવારે પૂરી થઇ છે. અને આ સિઝનનો વિનર બન્યો છે ઉત્તર ભારતનો પવનદીપ રાજન. પવનદીપે પાંચ સ્પર્ધકોને માત આપીને જીત મેળવી છે. અરુણિતા કાંજીલાલ સેકન્ડ રનરઅપ છે, જ્યારે સાયલી કાંબલે થર્ડ રનરઅપ, ચોથા નંબરે દાનિશ, પાંચમા નંબરે નિહાલ અને છઠ્ઠા ક્રમે શણમુખપ્રિયા રહી હતી.
પવનદીપને ઇન્ડિયન આઇડલ ૧૨ની ચમચમાતી ટ્રોફીની સાથે સ્વીફ્ટ કાર અને ૨૫ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. આમ તો શોના ફિનાલેમાં પાંચ સ્પર્ધકો પહોંચતા હોય છે, પરંતુ આ વખતે એકથી એક ચડિયાતા સિંગર જોવા મળ્યા, જેના લીધે શોમાં છ ફાઇનલિસ્ટ રાખવામાં આવ્યા હતા.
પવનદીપ રાજન મૂળ કુમાઉનો વતની છે. તેનો જન્મ ૧૯૯૬માં ચંપાવત જિલ્લાના વલ્ચોડા ગામમાં થયો હતો. તેણે પંચાવતમાં પણ અભ્યાસ કર્યો હતો. તેના પિતા સુરેશ રાજને તેને બાળપણથી સંગીત શીખવાડ્યું હતું. પવનદીપ રાજનને સંગીત વારસામાં મળ્યું છે. તેના દાદા સ્વ. રતિ રાજન પણ પ્રસિદ્ધ લોકગાયક હતા.
શોના ગ્રાન્ડ ફિનાલેમાં તમામ સ્પર્ધકોના પરિવારના સભ્યો તેમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. આ સિવાય અનુ મલિક, સોનુ કક્કડ અને હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કુમાર સાનુ, વિશાલ દદલાની, મિકા સિંહ, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, જય ભાનુશાલી, ધ ગ્રેટ ખલી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી અને ગાયક જાવેદ અલી પણ ફિનાલેમાં જોવા મળ્યા હતા. ઈન્ડિયન આઈડોલ ૧૨નું ગયા વર્ષે નવેમ્બરમાં પ્રીમિયર યોજાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter