પશ્ચિમ બંગાળમાં પરિવારને મદદ માટે 102 વર્ષનાં દાદી શાકભાજી વેચે છે

Friday 10th June 2022 13:08 EDT
 
 

કોલકાતા: પોતાના કુટુંબના જીવનનિર્વાહને ક્યારેય નાણાકીય મુશ્કેલી નડે નહીં એના માટે એક 102 વર્ષનાં દાદી આજે પણ બંગાળમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવવામાં માટે પોતાના કુટુંબને મદદરૂપ થઇ રહ્યાં છે. પૂર્વ મેદીનીપુર જિલ્લાના જોગીબ્રહ ગામમાં રહેતાં લક્ષ્મી મૈતી રોજ સવારે ચાર વાગ્યે ઉઠી કોલાઘાટ ખાતે આવેલા જથ્થાબંધ બજારમાંથી ખરીદી કરી, શાકભાજી રિક્ષમાં નાંખીને પોતાના એક ચોક્કસ વિસ્તારમાં વેચવા પહોચી જાય છે.
‘લગભગ 48 વર્ષ પહેલા મારા પતિના અવસાન પછી અમારે કેટલાક દિવસો ખાધા વગર સુવું પડ્યું હતું. ઘરનું ગુજરાન ચલાવવા માટે મેં શાકભાજી વેચવાનું શરૂ કરેલું એ સમયે મારો પુત્ર 16 વર્ષનો હતો. એ સમય કપરો હતો, ખાસ કરીને જયારે હું માંદી પડું ત્યારે ઘર ચલવવા માટે ફાંફા મારવા પડતા હતા.’ એમ તે જણાવે છે.
એક સ્વૈચ્છિક સંસ્થાના સહકારથી સેલ્ફ હેલ્પ ગ્રૂપના સભ્ય બન્યા પછી તેની હાલત સુધરી છે. હવે ઘરમાં ફર્નિચર પણ છે અને ટેલીવિઝન પણ. ‘અમને આ સંસ્થાએ રૂ.40,000ની લોન આપી હતી જેનાથી મારા પુત્રના ચા બનાવવાના બિઝનેસની શરૂઆત થઇ ગઈ છે.
‘મારી માં દુર્ગાનો અવતાર છે,’ એમ મહિલાનો 64 વર્ષનો પુત્ર ગર્વથી જણાવે છે. ‘મારી માતાએ મારું, મારા પરિવારજનોનું પેટ ભર્યું છે. મારી પુત્રીના લગ્નમાં મદદ કરી છે, અમારી પાસે હવે પાક્કું મકાન છે અને અમે અમારી લોન પણ ભરપાઈ કરી દીધી છે.
મહિલાના પૌત્ર પણ દાદી માટે ગર્વ લે છે. ‘પિતાજી અમને જે ખરીદી આપી શકતા ન હતા એ દાદીએ ખરીદી આપ્યું છે. મોટાભાગે પુત્ર માતાનું ધ્યાન રાખતો હોય છે અમારા માટે તો દાદી જ અંતિમ ઉપાય છે,’ એમ 28 વર્ષીય સુબ્રતો જણાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter