શ્રીનગર: પહલગામ હુમલાની તપાસ કરી રહેલી એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની તપાસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. હુમલામાં ચાર આતંકી સામેલ હતા, જેમાંથી બે આતંકીઓ સ્થાનિક હતા, આ સ્થાનિક આતંકીઓ પર્યટકો સાથે ભળી ગયા હતા અને ટોળાને હથિયારધારી અન્ય બે આતંકીઓ તરફ લઇ ગયા હતા. એક અધિકારીનો દાવો છે કે આતંકીઓ ચાર પાંચ દિવસ સુધી હુમલા સ્થળ બૈસરનની આસપાસ જ ફરતા હતા.
રિપોર્ટ મુજબ પહલગામ હુમલાના ચાર આતંકીઓમાંથી બે આતંકી દક્ષિણ કાશ્મીરથી હતા. આ સ્થાનિક કાશ્મીરી આતંકીઓ ભારત-પાક. વચ્ચેની વાઘા-અટારી બોર્ડરેથી દસ્તાવેજો સાથે પાકિસ્તાન ગયા હતા, જોકે તેમના પરત ફરવાની કોઇ માહિતી સામે નહોતી આવી. બન્ને આતંકી પાકિસ્તાનમાં તાલીમ લીધા બાદ જમ્મુના કઠુઆની સરહદ ઓળંગીને ભારતમાં પરત ફર્યા હતા. હુમલા પૂર્વે આ બન્ને આતંકીઓ પર્યટકોની વચ્ચે સ્થાનિક વેશભુષામાં ભળી ગયા હતા, પર્યટકોને ફૂડ કોર્ટમાં એકઠા કરવામાં આવ્યા હતા. બાદમાં અન્ય બે પાકિસ્તાની આતંકીઓએ પર્યટકોને ધર્મ પૂછીને ગોળીબાર કરી દીધો હતો. મતલબ કે બે સ્થાનિક આતંકીઓ પર્યટકોના ટોળાને એ દિશા તરફ લઇ ગયા જ્યાં પાકિસ્તાની આતંકીઓએ બાદમાં હુમલો કરી દીધો હતો. આતંકીઓને ખ્યાલ હતો કે એક ગોળીનો અવાજ સાંભળતા જ પર્યટકો વિખેરાઇ જશે જેથી ઇરાદાપૂર્વક પહેલા પર્યટકોમાં ભળી ગયા હતા અને તેમને હથિયારધારી આતંકીઓ તરફ લઇ ગયા હતા.
પર્યટકો પર બેફામ ગોળીબાર કરાયો ત્યાં કેટલીક દુકાનો પણ હતી, જેમાંથી એક દુકાન હુમલાના 15 દિવસ પહેલા જ ખુલી હતી, જોકે હુમલાના દિવસે આ દુકાન બંધ હતી. હવે તપાસ અધિકારીઓ એ ચકાસણી કરી રહ્યા છે કે શું આ દુકાનદારે આતંકીઓને મદદ કરી હતી કે કેમ. ઘટનાસ્થળેથી સ્નાઇપર રાઇફલ, એમ-સીરીઝ રાઇફલ અને બુલેટપ્રૂફને ભેદી શકે તેવી ગોળીઓ સહિતના આધુનિક હથિયારો મળી આવ્યા છે.