પહેલી જુલાઇએ જગન્નાથ યાત્રાઃ ૨ વર્ષ પછી ૨૦ લાખ ભક્તો ઉમટશે

Sunday 05th June 2022 06:59 EDT
 
 

ભુવનેશ્વર: ભગવાન જગન્નાથ પહેલી જુલાઈએ ભક્તોને દર્શન આપશે અને નગરચર્યા કરશે. તેના માટે ઓડિશાના પુરીમાં રથ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશરે 800 કારીગર દિવસ-રાત રથ બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 60 ટકા કામ થઈ પણ ગયું છે. ભક્તોમાં પણ જબરદસ્ત ઉત્સાહ છે. બે વર્ષ પછી કોરોનામુક્ત વાતાવરણમાં પહેલી રથયાત્રા રંગેચંગે નીકળશે. તેમાં દેશ-વિદેશના 20 લાખથી વધુ ભક્તોના સામેલ થવાની શક્યતા છે.
જગન્નાથ મંદિરના પૂજારી રાજેન્દ્ર કરે જણાવ્યું હતું કે ગત બે વર્ષથી રથયાત્રા દરમિયાન તમામ વિધાન મંદિરના પૂજારીઓ દ્વારા કરાયા હતા. જોકે આ વખતે ભક્તોને રથ ખેંચવાની તક મળશે. તેમણે કહ્યું કે રથનિર્માણ માટેની તમામ તિથિઓ પણ નક્કી છે. નરસિંહ ચતુર્દશીએ એક પૈડું બની જાય છે. વસંત પંચમી એટલે કે સરસ્વતી પૂજાના દિવસથી રથ માટે લાકડું આવવાનું શરૂ થઈ જાય છે. આ વખતે સંબલપુર, ક્યોંઝર, બરગઢ સહિત અન્ય જગ્યાએથી લાકડું આવ્યું છે.
ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેયના રથ બને છે અને રથોના નામ અને આકાર અલગ અલગ હોય છે. નંદીઘોષમાં ભગવાન જગન્નાથ સવારી કરે છે. આ વખતના આયોજનમાં અનેક વિશેષતાઓ ઉમેરાઈ છે.

રથની વિશેષતા
• દેવદલન રથમાં બહેન સુભદ્રા. આ રથમાં 12 પૈડાં હોય છે. તેને બનાવવા 711 લાકડાના ટુકડા વપરાય છે. આ રથની ઊંચાઈ 44 ફૂટ હોય છે. • તલધ્વજ રથમાં બલભદ્ર. 14 પૈડાંવાળા આ રથને બનાવવામાં લાકડાના 731 ટુકડા વપરાય છે. ઊંચાઈ 45 ફૂટ હોય છે. • નંદીઘોષ રથ. ભગવાન જગન્નાથ 16 પૈડાંવાળા આ રથને બનાવવા 742 લાકડાના ટુકડા વપરાય છે. ઊંચાઈ 45 ફૂટ 6 ઈંચ હોય છે. • 14 જૂને સ્નાનયાત્રા, 15 દિવસ ભગવાન જગન્નાથ બીમાર રહેશે. • 60 ટકા નિર્માણકાર્ય પુરું થઇ ચૂક્યું છે આ રથોનું. • 800 કારીગર દિવસરાત રથોનું નિર્માણ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter