પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટઃ લોકપ્રિય પગલાંની ભરમાર રહેશે!

Saturday 12th January 2019 05:02 EST
 
 

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનાં છેલ્લા બજેટ સત્રનો ૩૧ જાન્યુઆરીથી પ્રારંભ થશે. ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલનારાં સંસદનાં બજેટસત્રમાં પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાંપ્રધાન અરુણ જેટલી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું વચગાળાનું બજેટ રજૂ કરાશે.
અહેવાલ અનુસાર કેન્દ્રીય પ્રધાનમંડળની રાજકીય બાબતોની સમિતિની બેઠકમાં આગામી બજેટસત્રની તારીખો અંગે ચર્ચા થઈ હતી. એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી હાલની લોકસભાનું આ છેલ્લું સત્ર બની રહેશે.
વચગાળાનું બજેટ હોવા છતાં મોદી સરકાર માટે આ બજેટ અત્યંત મહત્ત્વનું બની રહેશે. વચગાળાનાં બજેટમાં સરકારને લોકસભાની ચૂંટણી પહેલાં કેટલાંક લોકપ્રિય પગલાં લેવાની તક મળી રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી મુદત માટે જનતા પાસે મત માગતાં પહેલાં આ વચગાળાનાં બજેટનો ભરપૂર ઉપયોગ કરે તેવી સંભાવના છે.
આ ઉપરાંત ચૂંટણી પહેલાનાં લોકસભાનાં આ છેલ્લા સત્રમાં વિપક્ષ પણ પોતાના મુદ્દા આગળ કરીને સરકારને ઘેરવાની તક છોડશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter