દેહરાદૂનઃ ઉત્તરાખંડના ગઢવાલ-હિમાલયન પ્રદેશમાં આવેલા ચારધામના યાત્રાળુઓની સંખ્યામાં આ વર્ષે તોતિંગ વધારો થયો છે. પહેલી વાર 50 લાખથી વધુ લોકોએ ચારધામના દર્શન કર્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાએ દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
ચારધામની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓનો આંકડો 16 ઓક્ટોબરે 50 લાખને વટાવી ગયો હતો. આ સાથે લગભગ 5.41 લાખ વાહનો પણ ચાર ધામ પહોંચ્યા છે. એપ્રિલ-મેમાં યાત્રા શરૂ થયા બાદ લગભગ 17.08 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ, 15.90 લાખ બદ્રીનાથ ધામ. 8.46 લાખ ગંગોત્રી અને 6.94 લાખ યમુનોત્રી પહોંચ્યા છે. આ ઉપરાંત 1.77 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ હેમકુંડ સાહિબના દર્શન પણ કર્યા છે. હેમકુંડ સાહિબના દ્વાર 11 ઓક્ટોબરથી શિયાળા માટે બંધ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 47 લાખ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી હતી.


