નવી દિલ્હીઃ મે અને જૂન મહિનામાં મુદત પૂરી થઈ રહી છે તેવા ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ શુક્રવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયો છે. ૪ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણીની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ૮ ચરણમાં, આસામમાં ૩ ચરણમાં અને કેરળ, તામિલનાડુ તથા પોંડિચેરીમાં એક-એક ચરણમાં મતદાન યોજાશે.
મતગણતરી બીજી મેના રોજ
પશ્ચિમ બંગાળમાં ૨૭મી માર્ચના રોજ ૩૦ બેઠક માટે પ્રથમ ચરણ, ૧ એપ્રિલના રોજ ૩૦ બેઠક માટે બીજા ચરણ, ૬ એપ્રિલના રોજ ૩૧ બેઠક માટે ત્રીજા ચરણ, ૧૦ એપ્રિલના રોજ ૪૪ બેઠક માટે ચોથા ચરણ, ૧૭ એપ્રિલના રોજ ૪૫ બેઠક માટે પાંચમા ચરણ, ૨૨ એપ્રિલના રોજ ૪૩ બેઠક માટે છઠ્ઠા ચરણ, ૨૬ એપ્રિલના રોજ ૩૬ બેઠક માટે સાતમા ચરણ અને ૨૯ એપ્રિલના રોજ ૩૫ બેઠક માટે આઠમા ચરણનું મતદાન યોજાશે.
આસામમાં ૨૭ માર્ચના રોજ ૪૭ બેઠક માટે પ્રથમ ચરણ, ૧ એપ્રિલના રોજ ૩૯ બેઠક માટે બીજા ચરણ અને ૬ એપ્રિલના રોજ ૪૦ બેઠક માટે ત્રીજા ચરણનું મતદાન યોજાશે. કેરળમાં વિધાનસભાની તમામ બેઠક માટે ૬ એપ્રિલ, તામિલનાડુમાં તમામ બેઠક માટે ૬ એપ્રિલ અને પોંડિચેરીમાં તમામ વિધાનસભા બેઠક માટે ૩૦ ના રોજ એક જ ચરણમાં મતદાન યોજાશે. તમામ રાજ્યોની મતગણતરી બીજી મેના રોજ યોજાશે.
કુલ ૮૨૪ બેઠકો
આસામની ૧૨૬, કેરળની ૧૪૦, તામિલનાડુની ૨૩૪, પશ્ચિમ બંગાળની ૨૯૪ અને પોંડિચેરીની ૩૦ વિધાનસભા બેઠકો એમ કુલ ૮૨૪ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડિચેરીમાં ઊભા થનારા ૨.૭ લાખ મતદાન મથકો પર ૧૮.૬૮ કરોડ મતદારો જનપ્રતિનિધિઓની ચૂંટણી કરશે. આ જાહેરાત સાથે જ ચૂંટણીમાં જઈ રહેલા ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે.
લોભામણી જાહેરાતો
ચૂંટણી આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં જ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ અર્બન એમ્પ્લોયમેન્ટ સ્કીમ અંતર્ગત આવતા કામદારોના રોજિંદા વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. હવે બિનકુશળ કામદારને રૂ. ૧૪૪ના સ્થાને રૂ. ૨૦૨, સેમિ સ્કિલ્ડ વર્કરને રૂ. ૧૭૨ને સ્થાને રૂ. ૩૦૩ અને કુશળ કામદારને રૂપિયા ૪૦૪ પ્રતિદિન વેતન અપાશે. આ નિર્ણયને કારણે પશ્ચિમ બંગાળના ૫૬,૫૦૦ કામદારોને લાભ થશે.
તામિલનાડુની સરકારે ખેડૂતો અને સેલ્ફ હેલ્પ ગ્રૂપોની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન ઇ. કે. પલાનીસામીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની ગોલ્ડ લોન અને સેલ્ફ હેલ્પ ગ્રૂપોની સહકારી બેન્કોમાંથી લીધેલી લોન માફ કરવાનો નિર્ણય કરાયો છે.


