પાંચ રાજ્યોમાં ચોથી ફેબ્રુઆરીથી વિધાનસભા ચૂંટણીજંગ જામશે

Thursday 05th January 2017 03:52 EST
 
 

નવી દિલ્હીઃ નોટબંધીના માહોલમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ચૂંટણીની શરૂઆત ચોથી ફેબ્રુઆરીથી થશે. જ્યારે પાંચેય રાજ્યો પરિણામ ૧૧મી માર્ચે જાહેર થશે. સૌ પ્રથમ પંજાબ અને ગોવામાં એક જ તબક્કામાં ચાર ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ઉત્તરાંખડમાં પણ એક જ તબક્કામાં ૧૫મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મણિપુરમાં ચાર માર્ચ અને આઠ માર્ચે બે તબક્કામાં મતદાન થશે.

સૌથી મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન ૧૧મી ફેબ્રુઆરી, બીજા તબક્કાનું ૧૫મી ફેબ્રુઆરી, ત્રીજા તબક્કાનું ૨૩મી ફેબ્રુઆરી, પાંચમા તબક્કાનું ૨૭મી ફેબ્રુઆરીએ અને છઠ્ઠા તબક્કાનું ચોથી માર્ચ અને સાતમા તબક્કાનું મતદાન ૮મી માર્ચે યોજાશે. આ પાંચેય રાજ્યોની ચૂંટણીના પરિણામો ૧૧મી માર્ચે જાહેર કરાશે. પાંચ રાજ્યોની મળીને કુલ ૬૯૦ બેઠકો માટે ૧૬ કરોડ મતદારો મતદાન કરશે. જ્યારે ૧.૮૫ લાખ પોલિંગ સ્ટેશન ખોલવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં સત્તાપક્ષ સમાજવાદી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ પરીક્ષા છે. સમાજવાદી પાર્ટીમાં હાલ અખિલેશ અને મુલાયમ વચ્ચે ફાંટા પડી ગયા છે. જ્યારે ભાજપને અહીં કોઈ જ એવો ચહેરો હજુ સુધી મળ્યો નથી કે જે અખિલેશ અને મુલાયમને ટક્કર આપી શકે છે. બીજી તરફ વડા પ્રધાન મોદીએ ભાજપની પ્રચારની કમાન અહીં સંભાળી અનેક રેલીઓ કરી છે. નોટબંધી બાદ લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. તેથી મોદીની પણ અહીં પરીક્ષા થશે. અહીં સમાજવાદી પાર્ટીની સાથે માયાવતીની બસપા પણ આક્રમક રીતે ચૂંટણી લડશે. દલીતો પર અત્યાચારના વધતા માયાવતીને દલિત મતોનો ફાયદો વધુ થવાની શક્યતાઓ છે. કોંગ્રેસે ‘બ્રાહ્મણ ચહેરો’ શીલા દીક્ષિતની આગેવાનીમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અને ગઠબંધન માટે પણ કોંગ્રેસ તૈયાર છે.

પંજાબમાં અકાલી દળ અને ભાજપની ગઠબંધન વાળી સરકાર સત્તા પર છે. પણ ડ્રગ્સ માફિયાનું પ્રમાણ વધી ગયું છે સાથે ખેડૂતોની આત્મહત્યા પણ વધી છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી (આપ)એ અહીં એડીચોટીનું જોર લગાવ્યું છે. પંજાબમાંથી જ આપના ચાર સાંસદો લોકસભામાં ચૂંટાયા હતા. તેથી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ આપનો દેખાવ સારો રહેશે તેવું નિષ્ણાતો માને છે. જ્યારે કોંગ્રેસને અંતે ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા નવજોતસિંહ સિદ્ધુનો સહારો મળી ગયો છે. નવજોત અમૃતસરમાંથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે. તેથી પંજાબમાં પણ રસાકસીભર્યો મુકાબલો જોવા મળશે. આ સિવાય અન્ય રાજ્યો જેવા કે ગોવામાં ભાજપની સરકાર છે, પણ અહીં આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી લડશે. કોંગ્રેસ પણ અહીં જીત માટે મહેનત કરે છે. મણિપુરમાં કોંગ્રેસની સરકાર છે, પણ અહીં ભાજપની સાથે નાગા આદિવાસીઓ પણ આવી ગયા છે. સોશિયલ એક્ટિવિસ્ટ ઈરોમ શર્મિલા ચૂંટણી લડશે. ઉત્તરાખંડમાં હાલમાં કોંગ્રેસી હરેશ રાવતની સરકાર છે, પણ માઈનિંગ માફિયાઓનું પ્રમાણ વધતાં સરકાર બદનામ છે. જેથી અહીં ભાજપ આક્રમક મૂડમાં દેખાય છે.

ચૂંટણી પંચે જાહેર કરેલા નવા નિયમો

• ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં ઉમેદવાર રૂ. ૨૮ લાખથી વધુનો ખર્ચ નહીં કરી શકે.

• ગોવા અને મણિપુરમાં પણ ઉમેદવાર દ્વારા થતા ખર્ચની મર્યાદા રૂ. ૨૦ લાખ રહેશે.

• ઉમેદવારે અલગથી બેંક ખાતું ખોલાવવાનું રહેશે, ખર્ચની વિગત આપવી પડશે.

• રૂ. ૨૦ હજારનું ફંડ ચેકથી લેવાનું રહેશે. રૂ. ૨૦ હજારથી વધુનો ખર્ચ ચેકથી ખાતામાંથી ઉપાડ કરવાનો રહેશે.

• પેઈડ ન્યુઝ પર વિશેષ ધ્યાન રખાશે. પ્રેસ કાઉન્સિલ ચૂંટણી પંચને મદદ કરશે.

• પહેલી વખત ઈવીએમમાં ઉમેદવારનો ફોટો પણ રાખવામાં આવશે.

• બૂથમાં કેમેરાથી મતદાનનું મોનિટરિંગ કરવામાં આવશે.

• મહિલાઓ માટે અલગથી મતદાન મથકો ખોલવામાં આવશે.

• વોટિંગ કંપાર્ટમેન્ટની ઉંચાઈ ૩૦ ઈંચ સુધી વધારવામાં આવશે.

• સૈનિકો માટે ઈ-પોસ્ટલ બેલેટ સિસ્ટમ લાગુ રહેશે.

• પ્રચાર દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકાય.

• રાત્રે ૧૦થી સવારના છ દરમિયાન લાઉડ સ્પીકરથી પ્રચાર નહીં કરી શકાય.

• મતદારો માટે કલરફુલ વોટર ગાઈડ જારી થયું.

• કાળા નાણા પર ચાંપતી નજર રાખવા પાંચ રાજ્યોમાં ૪૦૦ નિરીક્ષકો તૈનાત

પાંચ રાજ્યોમાં ચૂંટણીના પડઘમ

પંજાબ

બેઠકોઃ ૧૧૭

તબક્કાઃ ૧

મતદાનઃ ૪થી ફેબ્રુઆરી

મુખ્ય પક્ષોઃ ભાજપ, આપ, કોંગ્રેસ, અકાલી દળ

ઉત્તરાખંડ

બેઠકોઃ ૭૦

તબક્કાઃ ૧

મતદાનઃ ૧૫ ફેબ્રુઆરી

મુખ્ય પક્ષોઃ કોંગ્રેસ, ભાજપ અન્યો

મણિપુર

બેઠકોઃ ૬૦

તબક્કાઃ ૨

મતદાનઃ ૪, ૮ માર્ચ

મુખ્ય પક્ષોઃ કોંગ્રેસ, ભાજપ, અન્યો

ગોવા

બેઠકોઃ ૪૦

તબક્કાઃ ૧

મતદાનઃ ૪ ફેબ્રુઆરી

મુખ્ય પક્ષોઃ ભાજપ, કોંગ્રેસ, આપ

ઉત્તર પ્રદેશ

બેઠકોઃ ૪૦૩

તબક્કાઃ ૭

મતદાનઃ ૧૧, ૧૫, ૧૯, ૨૩, ૨૭ ફેબ્રુઆરી અને ૪, ૮ માર્ચ

મુખ્ય પક્ષોઃ સપા, બસપા, ભાજપ, કોંગ્રેસ

પરિણામોઃ દરેક રાજ્યમાં ૧૧મી માર્ચ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter