પાંચ વર્ષમાં ભારતમાં સ્ટાર્ટ અપની સંખ્યા ૫૦૦થી વધીને ૬૦,૦૦૦ને પાર

૧૬ જાન્યુઆરી ૨૦૨૨ને દેશભરમાં નેશનલ સ્ટાર્ટ અપ ડે તરીકે ઉજવાયો

Thursday 20th January 2022 04:33 EST
 
 

નવી દિલ્હીઃ ભારતમાં ઉદ્યોગ સાહસિકોને વેગ આપતી નરેન્દ્ર મોદી સરકારની સ્ટાર્ટ અપ નીતિએ છેલ્લા ૬ વર્ષમાં દેશમાં ઘણા નવા ઉદ્યોગોની સ્થાપના કરી છે.
વડા પ્રધાન મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ એજન્ડા સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૬ મહિનામાં ભારતમાં ૧૦,૦૦૦થી વધુ સ્ટાર્ટ અપ રજિસ્ટર થયાં છે. આજે યુનિકોર્નના મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે.
આ પહેલાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬૦ કરતાં વધુ ઉદ્યોગ સાહસિકોના સંમેલનને સંબોધિત કરતાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસને દેશમાં નેશનલ સ્ટાર્ટ અપ ડે તરીકે ઉજવવાની હાકલ કરી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ નવા ભારતની કરોડરજ્જૂ છે જેઓ દેશની આઝાદીના ૧૦૦મા વર્ષમાં આર્થિક વૃદ્ધિનું પરિચાલક બળ બની રહેશે. ૨૦૨૧ના દાયકાને ટેકેડ તરીકે જોવામાં આવે છે. મારી સરકાર સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ, સંશોધનો અને ઉદ્યોગ સાહસિકતાને મજબૂત બનાવવા ધરખમ સુધારા લાવી રહી છે. પાંચ વર્ષ પહેલાં ભારતમાં સ્ટાર્ટ અપની સંખ્યા ૬૦૦ કરતાં ઓછી હતી જે આજે ૬૦,૦૦૦ કરતાં વધુ છે. ૬૬ કરતાં વધુ ઔદ્યોગિક સેક્ટરમાં આ સ્ટાર્ટ અપ્સ રમતના નિયમો જ બદલી રહ્યાં છે. હું માનું છું કે ભારતીય સ્ટાર્ટ અપ્સનો સુવર્ણ યુગ શરૂ થઇ ચૂક્યો છે.
શું છે મોદી સરકારની સ્ટાર્ટ અપ યોજના
૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ મોદી સરકારે સ્ટાર્ટ અપની વ્યાખ્યામાં સુધારો કરીને નવો આયામ આપ્યો. તે અનુસાર રૂપિયા ૧૦૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી દરેક કંપનીને તેની નોંધણીના ૧૦ વર્ષ સુધી સ્ટાર્ટ અપનો દરજ્જો અપાયો છે. આ માટે મોદી સરકાર દ્વારા સીડબીના નેજા હેઠળ રૂપિયા ૧૦,૦૦૦ કરોડના ભંડોળની વ્યવસ્થા કરાઇ છે. ડિસેમ્બર ૨૦૨૦ના પ્રારંભે ૩૮૪ સ્ટાર્ટ અપમાં રૃપિયા ૪૬૦૯ કરોડનું રોકાણ કરાયું હતું. એફએફએસ દ્વારા અત્યાર સુધીમાં ૬૪૦ સ્ટાર્ટ અપમાં રૂપિયા ૮૦૮૬ કરોડનું રોકાણ કરાયું છે. સ્ટાર્ટ અપને આવકવેરામાં પણ છૂટછાટો અપાઇ છે.

વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૮,૦૦૦ પેટન્ટને માન્યતા અપાઇ
મોદી સરકાર સત્તામાં આવી તે પહેલાં વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતમાં ૪૦૦૦ પેટન્ટને માન્યતા અપાઇ હતી જે વર્ષ ૨૦૨૦-૨૧માં વધીને ૨૮,૦૦૦ને પાર કરી ગઇ હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં ટ્રેડ માર્કની સંખ્યા ૭૦,૦૦૦ હતી જે વર્ષ ૨૦૨૦-૨૧માં વધીને ૨.૬ લાખને પાર કરી ગઇ છે. ગ્લોબલ ઇનોવેશન ઇડેક્સમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ભારત ૮૧મા સ્થાને હતો જે ૨૦૨૦-૨૧માં ૪૬મા સ્થાને આવી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter