પાક. ફરી ભૂલ કરશે તો જડબાતોડ જવાબ મળશેઃ કારગીલ વિજય દિવસ ઉજવાયો

Wednesday 31st July 2019 06:15 EDT
 
 

દ્રાસઃ કારગીલ વિજય દિવસની ૨૦મી વર્ષગાંઠ પ્રસંગે ૨૬ જુલાઇએ દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દ્રાસમાં યોજાયેલા મુખ્ય સમારોહને સંબોધતા સેના વડા જનરલ બિપિન રાવતે કહ્યું કે, હું આપણા દેશવાસીઓને જણાવવા માગુ છું કે તમે નિશ્ચિત રહો. સંરક્ષણ સેવાઓને સોંપાયેલું કોઈ પણ કામ હંમેશા પૂરા કરાશે, ભલે પછી તે ગમે તેટલું અઘરું કેમ ન હોય. અમારા સૈનિકો આપણી સરહદની સુરક્ષા કરતા રહેશે.
આની સાથોસાથ પાકિસ્તાનને સંદેશ આપતા તેમણે કહ્યું કે, માત્ર એટલું કહેવા માગું છું કે તે આવું ન કરે, ભૂલો સામાન્ય રીતે રિપિટ કરાતી નથી. હવે આવું થશે તો તમને (પાક.ને) જડબાતોડ જવાબ મળશે.’
આ પ્રસંગે એર ચીફ માર્શલ બીરેન્દ્ર ધનોઆ, સેના પ્રમુખ જનરલ વિપિન રાવત અને નેવીના વડા એડમિરલ કરમબીર સિંહે કારગીલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્રણેય પ્રમુખોએ વીર નારીઓ અને કારગીલમાં તૈનાત સેનાઓ સાથે વાત કરી હતી. 

વિજય મશાલ દ્રાસ પહોંચી

દિલ્હીથી દ્રાસ પહોંચેલી મશાલને જનરલ બિપિન રાવતે કારગીલ વોર મેમોરિયલ પર સ્થાપિત અનંત જ્યોતની સાથે મિલાવી દીધી.

‘વીરતા યાદ કરવાનો દિવસ’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રીનગર કેન્ટમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ‘વિજય દિવસ, આપણા કૃતજ્ઞ રાષ્ટ્ર માટે કારગીલના શિખરો પર સશસ્ત્ર બળોની વીરતાને યાદ કરવાનો દિવસ છે.’ ખરાબ હવામાનને કારણે કોવિંદ દ્રાસ જઈ શક્યા નહીં.

‘યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે યુદ્ધ દરમિયાન મને કારગીલ જવાની તક મળી હતી. તેમણે કહ્યું કે પરાક્રમી યોદ્ધાઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે માતૃભૂમિની સુરક્ષા માટે સર્વસ્વ વારી દીધું. જય હિન્દ!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter