પાક.ની કૂટનીતિ સામે દિલ્હીનું બેવડું વલણ

Tuesday 24th March 2015 14:06 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ભારતમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત સમારંભમાં કાશ્મીરી અલગતાવાદીઓને આમંત્રણ આપી ભારત સામે આડોડાઈ કરવાના પાકિસ્તાનના પ્રયાસને ભારત સરકારે આકરો જવાબ આપ્યો છે. સોમવારે સવારે ભારતમાં પાકિસ્તાની રાજદૂત અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે કાશ્મીરી અલગતાવાદી સંગઠન હુર્રિયતના નેતાઓને આમંત્રણ સામે ભારત વાંધો ઉઠાવશે નહીં. જવાબમાં ભારતે પાકિસ્તાનને જણાવ્યું હતું કે કાશ્મીર વિવાદમાં ત્રીજા પક્ષને કોઇ સ્થાન નથી. જોકે, હુર્રિયત નેતાઓનો વિરોધ કરી રહેલી મોદી સરકારના વિદેશ રાજ્ય પ્રધાન વી કે સિંહ હુર્રિયત નેતાઓ સાથે આ ડિનર પાર્ટીમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. આમ હુર્રિયત મુદ્દે મોદી સરકારના બેવડા વલણ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને જણાવ્યું હતું કે ભારત સરકાર પોતાના માટે જ બોલવાનું પસંદ કરે છે. કહેવાતી હુર્રિયત કોન્ફરન્સની ભૂમિકા ભારતની સ્થિતિ અંગે ગેરસમજ કરવાનો સવાલ ઊભો થતો નથી. પડતર તમામ સમસ્યાઓનો ઉકેલ શિમલા અને લાહોરસંધિ અંતર્ગત શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા આવી શકે છે.

દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીએ પાક. વડા પ્રધાન નવાઝ શરીફને પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે હું સ્પષ્ટપણે માનું છું કે પાકિસ્તાન સાથેના તમામ વિવાદોનો ઉકેલ આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં દ્વિપક્ષીય મંત્રણા દ્વારા આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter