નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા રાજકીય નકશાને લઇને નેપાળે હવે વાંધો ઉઠાવ્યો છે. નેપાળ સરકારે છઠ્ઠી નવેમ્બરે જણાવ્યું કે દેશને સુદૂર પશ્ચિમી વિસ્તારમાં સ્થિત કાલાપાની નેપાળની સીમામાં છે. ઉલ્લેખનીય છે કે ભારતે ૩૧મી ઓક્ટોબરે નવો રાજકીય નકશો જારી કર્યો હતો જેમાં નવગઠિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશને સરહદની અંદર દર્શાવ્યો છે. નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને નવગઠિત જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના ભાગ તરીકે દર્શાવ્યો છે જ્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને લદ્દાખના ભાગ તરીકે જાહેર કર્યો છે.
નેપાળ સરકારે કહ્યું છે કે કાલાપાનીને ભારતનો નકશામાં બતાવ્યા અંગેની જાણકારી મીડિયા દ્વારા મળી છે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળ સરકાર સ્પષ્ટ છે કે કાલાપાનીનો વિસ્તાર તેમની સરહદમાં આવે છે.
મંત્રલાયના નિવેદન મુજબ, વિદેશ સચિવ સ્તરની સંયુક્ત બેઠકમાં ભારત અને નેપાળની સરહદ સંબંધી મુદ્દાઓને સંબંધિત વિશેષજ્ઞોની મદદથી નિવારવાની જવાબદારી બંને દેશના વિદેશ સચિવોને સોંપવામાં આવી છે.