મુઝફ્ફરનગરઃ કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથસિંહે ૨૯મીએ સંકેતો આપ્યા હતા કે પાકિસ્તાન સામે તાજતેરમાં જ સર્જિકલ સ્ટ્રાઇક જેવું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. રાજનાથે કહ્યું કે, પાકિસ્તાને આપણા બોર્ડર ફોર્સના જવાન સાથે કેવી બર્બરતા આચરી તે તો આપ સૌએ જોયું હશે. કદાચ આપને ખબર નથી, પણ તાજેતરમાં જ બોર્ડર પર ભારતે યોગ્ય પગલું લીધું છે.
મારામાં વિશ્વાસ રાખો સરહદે કશુંક એવું થયું છે જેથી ભારતીય જવાનની શહાદતનો બદલો લેવાયો છે. હમણાં તેની વિગતો આપવા રાજનાથે ઇનકાર કર્યો હતો. રાજનાથની આ જાહેરાતને બીએસએફના ડીજીએ સમર્થન આપ્યું હતું.
બીએસએફના ડીજી કે. કે. શર્માએ કહ્યું હતું કે, અમારા જવાનની કાયરતાપૂર્વક હત્યા કરાઈ હતી. અમારા જવાનની શહાદતનો બદલો તાજેતરમાં લેવાયો છે.
બિનસત્તાવાર રીતે એવું જાણવા મળે છે કે ભારતીય આર્મીએ પાકિસ્તાનની બોર્ડર પર તેની પોસ્ટને ટાર્ગેટ બનાવીને ફૂંકી મારી છે અને તેમાં ભારે મોર્ટાર અને તોપમારો કર્યો છે.