નવી દિલ્હીઃ પાકિસ્તાને તેના સૈનિકોનો મોતનો બદલો લેવા ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. તે માટેનો આદેશ ખુદ પાકિસ્તાનના આર્મીચીફ બાજવાએ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાજવા ૩૦ એપ્રિલે પાકિસ્તાની પોસ્ટ હાજીપીર ગયા હતા. તે વખતે તેમણે બર્બરતાના આદેશ આપ્યા હતા.
પાક.નો ફરી શસ્ત્રવિરામ ભંગ
પાકિસ્તાની સૈન્યએ ત્રીજી મેએ ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો. પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીને નિશાન બનાવીને રાત્રે ૩ વાગ્યે ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સૈન્યએ પણ વળતો ગોળીબાર કર્યો હતો. બે દિવસ અગાઉ પૂંચના કૃષ્ણા ખીણ વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. ૧૭મી એપ્રિલે ભારતીય ગોળીબારમાં ૧૦ પાક. જવાન માર્યા ગયા હતા. પાકિસ્તાન તેનો બદલો લેવા ઇચ્છતું હતું. પાક. કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ નદીમ રઝાએ આમ કરવાથી એલઓસી પર તંગદિલી વધી શકે છે તેવી ચેતવણી પણ આપી હતી. રઝા પાક. સૈન્યના કાશ્મીર બાબતોના પ્રમુખ છે.
જનરલ બાજવાએ સર્જિકલ સ્ટ્રાઇક બાદ સરહદ નજીકની પાકિસ્તાની ચોકીઓના ફેરા કર્યા હતા. માર્ચમાં બાજવાએ કેલ સેક્ટરમાં આવેલી પાકિસ્તાની ચોકીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં ડિસેમ્બર, ૨૦૧૬માં અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ભિમ્બર સેક્ટરમાં ગોળીબારથી અસરગ્રસ્ત પાકિસ્તાની ચોકીઓની મુલાકાત પણ લીધી હતી. ૩૦ એપ્રિલે બાજવાએ જે હાજીપીર ચોકીની મુલાકાત લીધી હતી તે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વની છે. ૧૯૬૫ના યુદ્ધમાં ભારતે આ વિસ્તાર જીતી લીધો હતો, પણ બાદમાં જીતેલા વિસ્તારોની અદલા-બદલીમાં આ ચોકી પાકિસ્તાનને પરત સોંપાઈ હતી.
પ્રેમ સાગરના અંતિમ સંસ્કાર
ભારતે પાકિસ્તાન હાઇકમિશનરને કહ્યું કે જવાનોનાં લોહીના ડાઘ બતાવે છે કે હત્યારા અંકુશ રેખાની પાર ગયા છે. ભારતીય વિદેશ સચિવ એસ. જયશંકરે પાક. હાઇ કમિશનર અબ્દુલ બાસિતને હાજર થવા ફરમાન કર્યું છે. તેમને સ્પષ્ટ જણાવાયું છે કે પાકિસ્તાનના કવર ફાયરની આડમાં હુમલો થયો હતો. જવાનોના લોહીના સેમ્પલ લીધા અને રોજા નાલાથી મળ્યા હતા. લોહીના સેમ્પલના ડાઘ બતાવે છે કે હત્યારા અંકુશ રેખાની પાર ગયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીની સમજાવટ પછી શહીદ પ્રેમ સાગરના અંતિમ સંસ્કાર માટે તેનાં પરિવારજનો તૈયાર થયા હતા. દેવરિયા બીએસએફના શહીદ હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગરના ત્રીજી મેએ દેવરિયામાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમનું શબ સૈન્યના હેલિકોપ્ટરમાં તેમના ઘરે આવ્યું હતું.
૩૦ માછીમારોનાં અપહરણ
બીજી મેની મોડી સાંજે વધુ એક વખત પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમા નજીક ત્રાટક્યું હતું અને ૫ બોટ અને ૩૦ માછીમારોને બંધક બનાવવામાં આવ્યા હતા. બોટને જ્યારે લઈ જવામાં આવતી હતી તે દરમિયાન ૧ બોટમાં આગ લાગી હતી.