નવી દિલ્હીઃ હીરાના વેપારીઓ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી દ્વારા આચરાયેલું પીએનબી કૌભાંડના ઘટસ્ફોટનું જાળું ધીરે ધીરે પગ ફેલાવી રહ્યું છે. તેમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ કાંડની કાળી કિંમતમાં વધારો થઈને તે રૂ. ૨૯ હજાર કરોડથી વધારે પહોંચી છે. જે પૈકી ૨૦ હજાર કરોડ નરેન્દ્ર મોદીના શાસનમાં જ્યારે રૂ. ૯ હજાર કરોડ ડૂબી ગયા હતાં. બંને સરકારોના સમયમાં ધિરાણ કરાયું હતું. પંજાબ નેશનલ બેંકના દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડ ૨૦૧૧થી શરૂ થયું હતું.
ઉલ્લેખનીય છે કે કે તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આ દસ્તાવેજો મુજબ વર્ષ ૨૦૧૧માં ૫૦ એલઓયુ દ્વારા રૂ. ૭૫૦ કરોડ, ૨૦૧૨મો ૧૦૦ એલઓયુ દ્વારા રૂ. ૨૩૦૦ કરોડ, ૨૦૧૩માં ૨૫૦ એલઓયુ દ્વારા રૂ. ૪૦૦૦ કરોડ અને ૨૦૧૪માં ૧૨૫ એલઓયુ દ્વારા રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ થયું હતું. દસ્તાવેજ મુજબ યુપીએના શાસનકાળમાં રૂ. ૯ હજાર કરોડથી વધુ રકમનું કૌભાંડ થયું જ્યારે એનડીએ સરકાર આવ્યા પછી પણ કૌભાંડ અટક્યું નહીં અને આ રકમ વધીને રૂ. ૨૯ હજાર કરોડ થઇ ગઇ. એટલે કે એનડીએ શાસનમાં રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ થયું છે.