નવી દિલ્હી: પીએમ ફંડ કેર્સ બ્રાન્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નવા સભ્યોને સામેલ કરાયા છે. જેમાં ઉદ્યોગપતિ રતન તાતાને ટ્રસ્ટી તો સલાહકાર જૂથમાં ઇન્ફોસિસના સુધા મૂર્તિને સામેલ કરાયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 21 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણાંમંત્રી નિર્મલા સીતારામન અને નવા નોમિનેટ ટ્રસ્ટીઓ સામેલ થયા હતાં. બેઠકમાં વડા પ્રધાને કેર્સ ફંડમાં યોગદાન આપવા માટે ભારતીયોની પ્રશંસા કરી હતી. બેઠકમાં ફંડની મદદથી ચલાવાયેલા કામકાજની માહિતી અપાઇ હતી. તેમાં પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમનો પણ સમાવેશ થાય છે જેમાં 4345 બાળકોની સહાયતા અપાઇ રહી છે. વડા પ્રધાનનું કહેવું છે કે નવા ટ્રસ્ટી અને સલાહકારોના આવવાથી પીએમ કેર્સ ફંડને નવા કામકાજ માટે નવું વિઝન મળશે.
ટ્રસ્ટમાં સામેલ અન્ય મહાનુભાવો
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ કે.ટી. થોમસ, ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા અને ઉદ્યોગપતિ રતન તાતા ટ્રસ્ટી તરીકે પીએમ કેર્સ ફંડમાં સામેલ થયા છે. ટ્રસ્ટના સલાહકાર જૂથમાં ભૂતપૂર્વ ‘કેગ’ રાજીવ મહર્ષિ, ઇન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઇન્ડિકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટની સ્થાપના 28 માર્ચ 2020ના રોજ થઈ હતી. આ ફંડ મારફત કોવિડ19 જેવી ઇમરજ્સી તથા સંકટની સ્થિતિમાં તત્કાળ રાહત ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. ફંડ સંપૂર્ણ રીતે લોકો અથવા સંગઠનો તરફથી મળતા સ્વૈચ્છિક સહયોગ પર આધારિત છે.


