પીએમ મોદી તો ડરપોક છેઃ રાહુલ ગાંધી

Friday 14th August 2015 05:21 EDT
 
 

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર ભલે પૂરું થઇ ગયું હોય, પણ ભાજપ અને કોંગ્રેસના રાજકીય હાકોટા-પડકારા બંધ થયા નથી. સંસદની કાર્યવાહી ઠપ્પ કરવા બદલ બન્ને પક્ષના મોવડીઓએ એકબીજાને દોષિત ઠરાવી રહ્યા છે અને બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પીએમ મોદી પર સીધો શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે, 'અમે લોકસભાની ચૂંટણી હાર્યા ત્યારે મને લાગ્યું હતું કે, માણસમાં કંઈક દમ છે, પરંતુ હવે મને લાગે છે કે તેમનામાં કોઈ દમ નથી. હું મોદીજીને કહી રહ્યો છું કે, તમારા માટે મોટી તક છે. લલિત મોદીને પકડીને અહીં લઈ આવો અને ક્રિકેટની સફાઈ કરો. મોદીએ લોકોનાં ખાતામાં ૧૫ લાખ જમા કરાવવાનો વાયદો કર્યો હતો, ન ખાઈશ અને ન ખાવા દઈશનો વાયદો કર્યો હતો, પરંતુ દુઃખની વાત એ છે કે, તે તો સંસદમાં જ નથી આવતા. અમને એક વાત સમજાઈ છે કે, આ પીએમ ડરપોક છે. અમે તેમના પર એટલું દબાણ કરીશું કે લલિત મોદી પાછો આવીને રહેશે.'
આ સાથે સુષ્મા સ્વરાજ દ્વારા બુધવારે ગૃહમાં રાજીવ ગાંધી પર કરેલા પ્રહારનો જવાબ આપતાં રાહુલે જણાવ્યું કે, 'ભારતની ન્યાયવ્યવસ્થાએ મારા પિતાને ક્લિનચિટ આપી છે છતાં ભાજપ છેલ્લાં ૩૦ વર્ષથી મારા વિશે જુઠ્ઠું બોલી રહ્યો છે.'
બીજી તરફ, સંસદની કાર્યવાહીને સતત ઠપ્પ રાખનારી કોંગ્રેસને ઠપકો આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની વર્તણૂકને કટોકટીકાળ સાથે સરખાવી હતી. તેમણે એનડીએના સાંસદોને સંબોધતાં જણાવ્યું કે, 'કોંગ્રેસ એક જ પરિવારના હાથમાં સત્તાનું કેન્દ્ર જાળવી રાખવા મથી રહી છે. કોંગ્રેસ એક પરિવારને બચાવવા માગે છે જ્યારે ભાજપ દેશ બચાવવા માગે છે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter