પીકે સાચા સાબિત થયા, છતાં કહે છેઃ હવે આ કામ છોડી દઇશ

Wednesday 05th May 2021 00:51 EDT
 
 

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમૂલના વ્યૂહરચનાકાર રહેલા પ્રશાંત કિશોર સાચા ઠર્યા છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહેલું કે ભાજપની બેઠકોનો આંકડો ડબલ ડિજિટ ક્રોસ કરી જશે તો તેઓ આ કામ છોડી દેશે. જોકે, પોતે સાચા સાબિત થયા તે છતાં તેમણે એમ કહીને ચોંકાવી દીધા કે તેઓ હવે ચૂંટણી વ્યૂહરચનાકારનું કામ કરવા નથી ઇચ્છતા, તેઓ તમિલનાડુમાં પણ સાચા સાબિત થયા, જ્યાં તેમણે સ્ટાલિનની જીતથી આગાહી કરી હતી.
હવે એવી અટકળો થઇ રહી છે કે પ્રશાંત કિશોર ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી (સપા) કે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વ્યૂહરચનાકાર બની શકે છે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર ૨૦૨૨ની ચૂંટણી માટે પ્રશાંત કિશોરને વ્યૂહરચનાકાર બનાવી ચૂક્યા છે.
પીકેએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું જે કરી રહ્યો છું તે હવે ચાલુ રાખવા ઇચ્છતો નથી. મેં ઘણું બધુ કરી લીધું. હવે બ્રેક લેવાનો સમય છે. જીવનમાં કંઇક જુદું કરવું છે.’ પોતે સક્રિય રાજકારણમાં ઝંપલાવશે કે કેમ? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોઇ પણ શક્યતા નકારતો નથી.
તેમણે ચૂંટણી પંચ પર નિશાન સાધતાં કહ્યું કે આ બંધારણીય સંસ્થા ભાજપના સાથી તરીકે કામ કરી રહી છે. ભાજપને ધર્મનો ઉપયોગ કરવા દેવાથી માંડીને મતદાનનો કાર્યક્રમ ઘડવામાં અને નિયમોમાં છુટછાટ આપવા સુધી પંચ દરેક વાતે ભાજપની મદદ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter