ચેન્નાઈ: દ્રવિડ મુન્નેત્ર કડગમ – ડીએમકે પક્ષ પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિનું ૯૪ વર્ષની વયે મંગળવારે સાંજે ૬.૧૦ વાગ્યે નિધન થયું છે. યુરિન ઈન્ફેક્શન અને લો બ્લ્ડ પ્રેશરની ફરિયાદ પછી તેમને ૨૭મી જુલાઈએ ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મંગળવારે તેમના પાર્થિવ દેહને કાવેરી હોસ્પિટલથી ગોપાલપુરમ્ આવાસ લઈ જવાની વ્યવસ્થા કરાઈ હતી. તેમના અંતિમ દર્શન બુધવારે સવારે રાજાજી હોલમાં કરી શકાશે તેવું પરિવાર દ્વારા જાહેર કરાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમના નિધનનો શોક વ્યક્ત કરતાં લખ્યું કે, કરુણાનિધિને દેશ હંમેશાં યાદ રાખશે. આ દુઃખના અવસરે તેમના સમર્થકો અને પરિવાર સાથે મારી સંવેદના છે. તેમના આત્માને શાંતિ મળે.
પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી તથા દિલ્હીના મુખ્ય પ્રધાન સહિત અગ્રણી નેતાઓ અને ફિલ્મી હસ્તીઓએ તેમના અંતિમ દર્શનની ઇચ્છા દર્શાવી હતી.
૧૪ વર્ષે રાજકારણ પ્રવેશ
કરુણાનિધિનો જન્મ ત્રીજી જૂન, ૧૯૨૪ના રોજ તિરૂવરૂર જિલ્લાના તિરુકુવાલાઇ ગામમાં થયો હતો. ૧૪ વર્ષની ઉંમરે જ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. પાંચ વાર મુખ્ય પ્રધાન રહેલા કરુણાનિધિ ૧૩ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને હંમેશાં જીત્યા હતા. તેઓ તમિલ ફિલ્મોમાં નાટકકાર અને પટકથા લેખક પણ હતા. તમિલનાડુની રાજનીતિમાં તેમની છબિ સૌથી મોટા નાસ્તિક નેતાની હતી, કારણ કે તેઓ ક્યારેય પણ દિવાળી જેવા તહેવારે પણ પાર્ટી તરફથી શુભકામના સંદેશ પણ નહોતા આપતા.
અંગત જીવન
તેમણે ત્રણ વખત લગ્ન કર્યાં હતાં અને છ સંતાનોનાં પિતા હતા. કરુણાનિધિની પ્રથમ પત્ની પદ્માવતી, દ્વિતીય પત્ની દયાળુ અને ત્રીજી પત્ની રજતિ રહી. પદ્માવતીનો સ્વર્ગવાસ થયો છે. તેમના ૪ દીકરાઓમાં એમ. કે. મુથ્થુ, એમ. કે. અલગિરી, એમ. કે. સ્ટાલિન અને એમ. કે. તમિલારાસુ અને બે પુત્રીઓમાં એમ. કે. સેલ્વી અને કનિમોઝીનો સમાવેશ થાય છે.


