પુડ્ડુચેરીઃ પુડ્ડુચેરીમાં કોંગ્રેસી ધારાસભ્યોના એક પછી એક રાજીનામાંથી લઘુમતીમાં મુકાયેલી કોંગ્રેસની નારાયણસામી સરકારનું આખરે પતન થયું છે. ઉપરાજ્યપાલે તેમને સોમવારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા આદેશ આપ્યો હતો. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલાંના નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. સ્પીકરે આ પછી કોંગ્રેસની નારાયણસામી સરકારે બહુમતી ગુમાવી હોવાની તેમજ ગૃહને અનિશ્ચિત મુદ્દત સુધી બરખાસ્ત કરવાની જાહેરાત કરી હતી.
બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલા નારાયણસામી અને તેમનાં સાથીઓએ આ પછી લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનને તેમનાં રાજીનામા આપ્યા હતા. કોંગ્રેસ તેમજ ડીએમકે અને અપક્ષ ધારાસભ્યોએ ઉપરાજ્યપાલને રાજીનામાં સુપરત કર્યા હોવાનું સત્તા ગુમાવનાર મુખ્ય પ્રધાન નારાયણસામીએ પત્રકારોને જણાવ્યું હતું.
સરકાર ઊથલાવવા ભાજપનું ષડયંત્ર
બહુમત પહેલાં વિધાનસભામાં સંબોધન વખતે મુખ્ય પ્રધાન નારાયણસામીએ તેમની સરકાર ઊથલાવવા માટે કેન્દ્ર સરકાર, ભાજપ અને પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીને જવાબદાર ગણાવ્યા હતા. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કેટલાક રાજ્યોમાં ચૂંટાયેલી સરકારને ઊથલાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ લોકશાહીની હત્યા છે. નારાયણસામીએ કહ્યું હતું કે, અમે રાજ્યમાં દ્રમુક તેમજ અપક્ષના સહયોગથી સરકાર બનાવી હતી. આ પછી અનેક ચૂંટણીઓ યોજાઈ પણ તમામ પેટા ચૂંટણીમાં અમે જીત્યા હતા. પુડ્ડુચેરીનાં લોકોને અમારામાં વિશ્વાસ છે તે આથી પુરવાર થઈ ગયું છે.
હવે શું થઇ શકે?
• કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવ્યા પછી ઉપરાજ્યપાલ ભાજપ અને સાથી પક્ષોને મે મહિનામાં ચૂંટણી પહેલાં ૩ મહિના માટે સરકાર રચવા આમંત્રણ આપી શકે છે. • ભાજપ અને સાથી પક્ષો સરકાર ન રચે તો પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.
હવે ફક્ત પાંચ રાજ્યોમાં કોંગ્રેસની સત્તા
પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવતા હવે દક્ષિણનાં રાજ્યોમાંથી કોંગ્રેસનું નામોનિશાન મટી ગયું છે. કોંગ્રેસે ફક્ત ૧૧ મહિનાના ગાળામાં કર્ણાટક, મધ્ય પ્રદેશ પછી પુડ્ડુચેરીમાં સત્તા ગુમાવતા હવે પાંચ રાજ્યોમાં જ સત્તા રહી છે. પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડ એમ પાંચ રાજ્યો જ તેનાં હાથમાં રહ્યા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તે અન્ય પક્ષો સાથે મિશ્ર સરકારમાં સહભાગી છે તેથી ત્યાં તેની સ્થિતિ નંબર ત્રણ અને નંબર બે પર છે. આગામી થોડા મહિનામાં પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીઓ યોજાવાની છે જે કોંગ્રેસ માટે પડકાર સમાન પુરવાર થશે.


