પુરીઃ ઓડિસામાં આવેલા જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના અગ્નિ ખૂણે આવેલાં એમાર મઠમાં હષો પહેલાં છુપાયેલા ખજાનાની શોધ હાથ ધરાઇ છે.
રાજ્ય સરકારના પુરાતત્વ ખાતાના અધિકારીઓની એક ટુકડી મેટલ ડિટેક્ટર સહિતના સાધનો સાથે મંદિર પરિસરમાં ફરી વળી છે.
એમાર મઠ જેની હકુમતમાં આવે છે તે ઉત્તરપાર્શ્વ મઠના મુખ્ય મહંત નારાયણ રામાનુજ દાસે ભારત સરકારને ખજાનો શોધી કાઢવાની કરેલી વિનંતીના પગલે પુરાતત્વ ખાતાએ આ ઓેપરેશન હાથ ધર્યું છે.
મઠના તમામ સાધુ સંતો અને મહંતો ઉપરાંત ઇતિહાસકારો પણ એમ માને છે કે એમાર મઠમાં સોના-ચાદી અને ઝવેરાતનો તોતિંગ ખજાનો છુપાવવામાં આવ્યો છે. આ દૃઢ માન્યતા પાછળનું કારણ એ છે કે અગાઉ ૨૦૧૧ની સાલમાં અને ગયા એપ્રિલમાં આ મઠમાંથી જંગી ખજાનો મળી આવ્યો હતો. આ પછી મઠના સત્તાવાળાઓમાં અને સંબંધિત તમામ પક્ષકારોમાં એવી માન્યતા મજબૂત બની ગઇ છે કે જમીન નીચે ખુબ કિંમતી ખજાનો દટાયેલો છે.
૨૦૧૧ની સાલમાં પોલીસને ચાંદીના ખુબ મોટા અને ભારે વજનદાર એવા ૫૨૨ ગઠ્ઠા મળી આવ્યા હતા, જેનું કુલ વજન ૧૯ ટન થયું હતું. તે સમયે તેની કિંમત રૂ. ૯૦ કરોડ આંકવામાં આવી હતી. તે ઉપરાંત આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ચાંદીના વધુ ૪૫ ગઠ્ઠા મળી આવ્યા હતા અને પ્રત્યેક ગઠ્ઠાનું વજન ૩૫ કિલો થયું હતું.
ચાંદી ઉપરાંત આ મઠમાંથી ચાંદીનું આખું એક વૃક્ષ, ચાંદીના ફૂલોની બનેલી વિશાળ વેલ, કાંસાની ગાય અને ૧૬ જેટલી અતિ કિંમતી ગણાતી તલવારો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે વૈષ્ણવ સંપ્રદાયના મહાન સંત રામાનુજાચાર્યે અંદાજે ૫૦૦ વર્ષ પહેલાં તેમના પોતાના નામ ઉપરથી રામાનુજ સંપ્રદાય શરૂ કર્યો હતો અને આ રામાનુજ સંપ્રદાયના હાલ દેશભરમાં કુલ ૧૮ મઠ આવેલા છે.