પુરીના જગન્નાથ મંદિરમાં ઉંદરો અને વાંદાનો ત્રાસ, ભગવાનની મૂર્તિ જોખમમાં

Tuesday 17th January 2023 14:02 EST
 
 

ભુવનેશ્વરઃ પુરીમાં વિખ્યાત જગન્નાથ મંદિરમાં સેંકડો ઉંદરો ધસી આવ્યા છે અને જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિ પર રહેલા પોશાક અને આભૂષણોને કોતરી ખાઇને નુકસાન કરી રહ્યા હોવાથી મંદિરના પૂજારીઓ અને અધિકારીઓ ચિંતામાં મુકાયા છે.
2020 અને 2021માં કોવિડ મહામારી દરમિયાન મંદિરમાં ઉંદરો અને વાંદામાં બેફામ વધારો થયો છે. આ સમય દરમિયાન મંદિર ભક્તો માટે અનેક મહિનાઓ સુધી બંધ રહ્યું હતું. આ સમય દરમિયાન મંદિરમાં લોકોની અવરજવરના અભાવે ઉંદરો અને વાંદાને મોકળું મેદાન મળી ગયું. હવે ઉંદરો અને વાંદાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ઊંચાઈએ રહેલી મૂર્તિઓ અને રત્ન સિંહાસનને પણ તે હવે નુકસાન પહોંચાડી રહ્યા છે.
મંદિરના સેવકોનું કહેવું છે કે પવિત્ર ગર્ભગૃહ અને દેવતાઓની કાષ્ઠની મૂર્તિઓ પર જોખમ તોળાઈ રહ્યું છે અને આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. મંદિરના એક સેવકે જણાવ્યું કે પવિત્ર ગર્ભગૃહમાં ઉંદરોનો ત્રાસ ચિંતાનું કારણ બન્યો છે. અમને ઉંદરો અને તેમના દ્વારા થતા કચરા વચ્ચે પૂજાવિધિ કરવામાં મુશ્કેલી પડી રહી છે. દરરોજ તેઓ મૂર્તિઓ પર રહેલા આભૂષણો અને પોશાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઉપરાંત આ ઉંદરો પ્રતિમાના ચહેરાને પણ નુકસાન કરી રહ્યા છે.
એક અન્ય સેવકે જણાવ્યું કે જમીન પર પથ્થરોની તિરાડમાં ઉંદરના દરો દેખાઈ રહ્યા છે જેનાથી પવિત્ર ગર્ભગૃહના માળખાંને વિપરિત અસર થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter