ચેન્નઈ-બેંગલુરુઃ કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ-પૂરને કારણે રૂ. ૪,૦૦૦ કરોડનું નુકસાન થયાના અહેવાલ છે. કર્ણાટકમાં આશરે ૮૦ હજાર એકરના પાકને નુક્સાન થયું છે. હવામાન વિભાગે ૧૦મીએ કેરળના પાંચ જિલ્લા ઈડુક્કી, મલાપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને અલપુઝહા, કોટ્ટાયમ, અર્નાકુલમ, ત્રિશૂર, પલાક્કડ, કાસરગોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
તિરુવનંતપુરમ હવામાન વિભાગે ૧૦મીએ કહ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને શક્તિશાળી બનશે જેથી પાંચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને વાયનાડ અને ઈડુક્કીમાં તૈનાત છે. હાલમાં દેશના છ રાજ્યો બિહાર, આસામ, યુપી, કેરળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વત્તાઓછા પ્રમાણમાં પૂરની પરિસ્થિતિ છે. સોમવારે વડા પ્રધાન મોદીએ પૂર પ્રભાવિત ૬ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પરિસ્થિતિની જાણકારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ ચોમાસામાં દેશમાં ૧૬ રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનથી ૯૫૦થી વધુનાં મોત થયાં છે.
કૈલાશ માનસરોવર યાત્રામાર્ગ બંધ
ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ઘણા જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત છે. વરસાદ અને પૂરથી નદી-નાળા છલકાયાં છે અને ઘણા મંદિરો ડૂબ્યાં છે. સિરવાડી ગામમાં વાદળ ફાટતાં ૧૦ ઘરો કાટમાળમાં દબાયાં હતાં. પિથોરાગઢના ટાગા ગામ અને બંગાપાનીમાં વાદળ ફાટતાં તબાહી મચી હતી. આ કપરી પરિસ્થિતિને કારણે કૈલાશ માનસરોવર યાત્રાનો રૂટ બંધ કરાયો છે. રવિવારે પણ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં વાદળ ફાટયું હતું જેને કારણે ઘણાં રહેણાંકનાં ઘરોને નુકસાન પહોંચ્યું હતું તથા શ્રીનગર લેહ રાજમાર્ગ પણ બંધ થઈ ગયો હતો.