પૂર્વ સાવચેતીથી પુલવામા-૨ ટળ્યુંઃ નવ જવાન ઘાયલ

Thursday 20th June 2019 08:17 EDT
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આતંકીઓએ આઇડીડી બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં જ સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાની સ્ટાઇલથી આતંકીઓએ આ વખતે પણ કારબોમ્બનો ઉપયોગ કર્યો હતો. સદનસીબે આતંકીઓ સફળ રહ્યા ન હતા. સેનાએ જણાવ્યા અનુસાર, સેનાના બુલેટ અને માઇન્સ પ્રૂફ વાહન પુલવામાના અરિહાલથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે આતંકીઓએ વાહનને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. ત્યાર પછી આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. આ હુમલામાં વાહનને ભારે નુકસાન થયું હતું. એ પછી જવાનોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને આતંકીઓને શોધવા અભિયાન શરૂ કર્યું હતું.

અનંતનાગમાં મેજર શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના એક મેજરે શહીદી વહોરી હતી જ્યારે અન્ય એક અધિકારી અને બે જવાન ઘાયલ થયા હતા, આ ઓપેરશનમાં બે આતંકી પણ ઠાર મરાયા હતા. મોડી રાત સુધી આ અથડામણ ચાલુ રહી હતી. આ દરમિયાન સેનાએ અફવાઓ રોકવા ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. આ ઉપરાંત સ્થાનિકોને વિરોધ પ્રદર્શન રોકવા અનંતનાગમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આતંકીઓની હાજરીની સૂચના મળ્યા પછી સુરક્ષાદળોએ સોમવારે સવારે અનંતનાગના બિદ્રુ અકિંગમમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter