પૂર્વોત્તર હવે દિલથી કે દિલ્હીથી દૂર નથીઃ મોદી

Thursday 09th March 2023 01:48 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપની જીત પર આ ત્રણેય રાજ્યોના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દિલ્હીમાં પક્ષના વડા મથકે નેતાઓ અને કાર્યકરોને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે પૂર્વોત્તર હવે દિલથી કે દિલ્હીથી દૂર રહ્યું નથી. આ ચૂંટણી દિલોની દૂરી સમાપ્ત થવાની સાથે સાથે નવા વિચારનું પ્રતિબિંબ છે. આ નવો યુગ અને ઇતિહાસ રચવાની ક્ષણ છે.

તેમણે ઉમેર્યું કે ‘આજના પરિણામો દર્શાવે છે કે ભારતમાં લોકશાહી અંગે આશાવાદ મજબૂત છે. આ રાજ્યોના લોકોએ અમારા સાથી સહયોગીઓને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. હું મારા કાર્યકરોની મહેનતની પ્રશંસા કરું છું.’ પક્ષના કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાને ઉમેર્યું કે ભાજપનું વડું મથક અગાઉના વર્ષોમાં આવા અનેક અવસરોનો સાક્ષી બન્યું છે. વડા પ્રધાને ભાજપની સતત જીતનો શ્રેય તેમની સરકારોની કામગીરી અને કાર્ય સંસ્કૃતિ તેમજ પાર્ટીના કાર્યકરોના સેવા સંકલ્પની ‘ત્રિવેણી’ને આપ્યો છે.
ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વડાપધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભાજપ વડા મથકે કાર્યકતાઓ સાથે મુલાકાત કરી તેમને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આપણે એક નવા રસ્તે વધી રહેલા નોર્થ ઈસ્ટને જોઈ રહ્યા છીએ. તે દિલો વચ્ચેનું અંતર સમાપ્ત થવાનું જ નહીં, પણ નવી વિચારધારાનું પ્રતીક છે. હવે નોર્થ-ઇસ્ટ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી દૂર છે, આ ઈતિહાસ રચાવાનો સમય છે. હું નોર્થ-ઇસ્ટની સમૃદ્ધિ અને વિકાસનો સમય જોઈ રહ્યો છું.
વડા પ્રધાને કહ્યું હતું કે આવનારા વર્ષોમાં પૂર્વોત્તરની જેમ કેરળમાં પણ ભાજપની સરકાર બનશે. નોર્થ-ઇસ્ટના વિજયે બાકી દેશના કાર્યકર્તાઓમાં ઊર્જા ભરી દીધી છે. જનતા વારંવાર ભાજપ પર વિશ્વાસ દાખવી રહી. છે.
‘હવે આપણે કેરળમાં ભાજપની સરકાર રચીશું’
વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો મોદીની કબર ખોદવાના કાવતરા કરે છે, પણ કમળ ખીલતું જ જઇ રહ્યું છે. આવા લોકો કહે છે કે મરી જા મોદી, જનતા કહી રહી છે ના જાવ મોદી. તેમણે કેરળમાં હવે ભાજપની સરકાર રચવાનો પણ દાવા કર્યો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter