પેટાચૂંટણીમાં ભાજપ છવાયોઃ સાતમાંથી ચાર બેઠક જીતી

Thursday 10th November 2022 04:58 EST
 
 

નવી દિલ્હીઃ છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો રવિવારે જાહેર થયા છે. જ્યાં ભાજપે સાતમાંથી ચાર બેઠકો પર કબજો જમાવ્યો છે. સૌથી પ્રતિષ્ઠિત ચૂંટણી જંગ બિહાર, તેલંગાણા અને હરિયાણામાં હતો. ભાજપે ઉત્તર પ્રદેશની ગોલા ગોકર્ણનાથ બેઠક, હરિયાણાની આદમપુર, બિહારની ગોપાલગંજ તેમજ ઓડિશાની દામનગર બેઠક પર જીતનો ઝંડો લહેરાવ્યો હતો.
લખીમપુર ખીરીની ગોલા ગોકર્ણનાથ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમનગિરિએ મોટી જીત મેળવી હતી તેમણે સમાજવાદીપાર્ટીના ઉમેદવારને 34 હજારથી વધારે મતથી હાર આપી હતી. જ્યારે બિહારની સત્તાધારી આરજેડીના ઉમેદવારે મોકામાં બેઠક પર જીત મેળવી હતી. તેલંગાણામાં ટીઆરએસના ઉમેદવાર પ્રભાકર રેડ્ડીએ ભાજપના ઉમેદવારને હરાવ્યાં હતા અને મનુગોડે સીટ પર જીત મેળવી હતી, તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ઉથલ્યા બાદ યોજાયેલી પહેલી ચૂંટણીમાં મુંબઇની અંધેરી ઇસ્ટ બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારની જીત થઇ હતી.
આ સાત પૈકીની ત્રણ બેઠકો પહેલા પણ ભાજપ પાસે, બે કોંગ્રેસ અને એક શિવસેના અને આરજેડી પાસે હતી. નીતીશકુમારે ભાજપને છોડી આરજેડી સાથે સરકાર બનાવી તે બાદ આ પહેલી ચૂંટણી હતી. મોકામાંથી બાહુબલી નેતા અનંત સિંહની પત્ની નીલમ દેવી આરજેડીની ટિકિટ પર જીત્યા હતા. અનંત સિંહને ગેરલાયક ઠેરવાયા તે બાદ આ સીટ ખાલી પડી હતી. જ્યારે ગોપાલગંજમાં આરજેડી ભાજપને હરાવવા પ્રયાસ કરી રહી હતી પરંતું તેના
પ્રયાસોને સફળતા સાંપડી નહોતી. અહીંથી ભાજપના કુસુમ દેવીની જીત થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter