નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૨૫મીએ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ જજ એ કે પટનાઇકના નેતૃત્વ હેઠળની એક સમિતિની રચના કરી છે. કોર્ટે સીબીઆઇ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને દિલ્હી પોલીસના વડાઓને તપાસમાં મદદ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, કમિટી ફક્ત ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કાયરી જ કરશે. જસ્ટિસ પટનાઇક એક સીલબંધ કવરમાં તેમનો રિપોર્ટ કોર્ટને સોંપશે.
પગલાં લેવાનો સમય
ન્યાયાધીશ ગોગોઈએ જણાવ્યું છે કે અમે દેશના અમીરો અને શક્તિશાળી લોકોને કહેવા માગીએ છીએ કે, તમે તમારી મરજી પ્રમાણે આ કોર્ટને ચલાવી શક્શો નહીં. તેઓ આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહે.
આગ સાથે રમત રમશો નહીંઃ સુપ્રીમ
સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે આ પ્રકારના લોકો આગ સાથે રમત રમી રહ્યાં છે. અમે તેમને કહેવા માગીએ છીએ કે, આ પ્રકારનો પ્રયાસ કરવાની હિંમત ન કરે. તેમના જ આંગળા દાઝી જશે. ૩-૫ ટકા વકીલો જ્યારે પણ કોઇ મોટો કેસ આવે છે ત્યારે રજિસ્ટ્રી પર પ્રભાવ પાથરવાનો પ્રયાસ કરી ન્યાયતંત્ર અને વકીલ સમુદાયને બદનામ કરે છે.
સીજેઆઈ પર આક્ષેપના મૂળિયા ઊંડા
અગાઉ સુપ્રીમ કોર્ટે ૨૪મીએ અસામાન્ય પગલું લેતાં સીબીઆઈ વડા, દિલ્હીના પોલીસ કમિશનર અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટરને બનાવટી યૌન ઉત્પીડન કેસમાં ભારતના ચીફ જસ્ટિસને ફસાવવા કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય કેટલાક ફિક્સરો દ્વારા ઘડી કઢાયેલા કાવતરાના આરોપો અંગે ચર્ચા કરવા તેડું પાઠવ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરિમાન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે ચર્ચા કરવા માટે તેડું મોકલ્યા બાદ સીબીઆઈના વડા, દિલ્હીના પોલીસકમિશનર અને આઈબીના ડિરેક્ટર જજિસ ચેમ્બરમાં બપોરે ૧૨.૩૦ કલાકે પહોંચ્યા હતાં.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉત્સવ બેઇન્સે આરોપ મૂક્યો હતો કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન ઉત્પીડનના ખોટા આરોપો મૂકી ફસાવી દેવાનું વ્યાપક કાવતરું ઘડવામાં આવ્યું છે. ઉત્સવ બેઇન્સે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સીલબંધ કવરમાં સંબંધિત મટીરિયલ અને પુરાવા રજૂ કર્યાં હતાં. બેઇન્સ દ્વારા રજૂ કરાયેલા મટીરિયલની ગંભીર નોંધ લેતાં બેન્ચે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ ગોગોઈ સામે કાવતરું ઘડવામાં કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય ફિક્સરોની સંડોવણીના આરોપો અત્યંત ગંભીર છે અને તેની તપાસ થવી જોઈએ.