મુંબઈઃ પ્રખ્યાત ગઝલગાયક ભૂપિન્દરસિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ 82 વર્ષના હતા. તેમનાં પત્ની અને ગાયિકા મિતાલીસિંહે જણાવ્યું હતું કે ભૂપિન્દરસિંહનું સોમવારે સાંજે અવસાન થયું હતું. દિવંગત ગીતકારને લાંબા સમયથી યૂરિન સહિતની વિભિન્ન આરોગ્ય સમસ્યાઓ હતી. ભૂપિન્દરસિંહનો જન્મ પંજાબના પટિયાલામાં 8 એપ્રિલ 1939ના રોજ થયો હતો. તેમના પિતા પ્રોફેસર નત્થાસિંહ પંજાબી શીખ હતા. તેઓ સારા સંગીતકાર હતા. જોકે સંગીત શીખવવાના મામલે તેઓ ખૂબ જ કડક હતા. પિતાના આકરા સ્વભાવને જોતા શરૂઆતમાં ભૂપિન્દર સિંહને સંગીતથી નફરત થઈ ગઈ હતી, પણ પછી તેમને સંગીતમાં રસ જાગ્યો હતો. વર્ષ 1968માં સંગીતકાર મદનમોહને ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનો કાર્યક્રમ સાંભળ્યો હતો અને તેમને મુંબઈ આવવા આમંત્રણ આપ્યું હતું.
દિલ ઢૂંઢતા હૈ... જેવા ગીતથી ઓળખ મળી
ભૂપિન્દર સિંહે મૌસમ, સત્તે પે સત્તા, આહિસ્તા આહિસ્તા, દૂરિયાં, હકીકત અને ઘણી અન્ય ફિલ્મોમાં તેમણે ગાયેલા યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે. આખરી ખત ફિલ્મમાં સોલો ગીત ગાયું હતું અને ત્યારથી તેઓ પ્રખ્યાત બની ગયા હતા.
ભૂપિન્દરે ગાયેલા શ્રેષ્ઠ ગીત
• હોકે મજબૂર મુઝે.... • દિલ ઢૂંઢતા હૈ... • બીતી ના બિતાઈ રૈના... • નામ ગૂમ જાયેગા... • જિંદગી મેરે ઘર આના... • સૈંયા બિના ઘર.... • એક એકલા ઈસ શહર મેં... • કિસી નજર કો તેરા... • ફિર તેરી યાદ... • કરોગે યાદ તો .... • દુગ્ગી પે દુગ્ગી હો...