પ્રજાસત્તાક દિને ખેડૂત રેલીનો લાભ લઈ આતંકી હુમલો થવાના ઈનપુટ

Tuesday 19th January 2021 16:29 EST
 
 

નવી દિલ્હીઃ કોરોનાના મહાસંકટ વચ્ચે ભારતનો ૭૨મો પ્રજાસત્તાક દિન સાદાઈથી ઉજવવાની જાહેરાત કરાઈ છે. ટેબ્લો કે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને બાળકોની ગેરહાજરી આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં હશે. આ ઉપરાંત કોઈ પણ દેશના રાષ્ટ્ર પ્રમુખને અતિથિ તરીકે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મોટેભાગે હાજરી રહે છે તે આ વખતે રહેશે નહીં. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે, આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે કોઈ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ કે સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ૫૫ વર્ષમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભારતનો ગણતંત્ર દિવસ મુખ્ય અતિથિ વગર ઉજવવામાં આવશે. આ વર્ષે ભારતે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ માટે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, પરંતુ બ્રિટનમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને કારણે તેઓએ ભારત પ્રવાસ રદ કર્યો હતો. દરમિયાન દેશમાં ચાલતા ખેડૂત આંદોલનના ભાગરૂપે ૨૬મી જાન્યુઆરીએ જ ટ્રેક્ટર રેલી કાઢશું તેવી ઘોષણા ખેડૂતોએ કરી છે તો ખેડૂત આંદોલનનો લાભ લઈને ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકીઓએ હુમલા કરવાનું કાવતરુ રચ્યું હોવાનો દાવો ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં સામે આવ્યો છે.
આતંકીઓનું હુમલાનું કાવતરું
પ્રજાસત્તાક દિને ખેડૂત આંદોલન વચ્ચે આતંકી હુમલાના કાવતરાના ઈનપુટ મળતાં દિલ્હીમાં સુરક્ષા વધારાઈ છે. હુમલાનું આ કાવતરું ખાલિસ્તાન અને અલકાયદા જેવા સંગઠનોએ રચ્યું હોવાના રિપોર્ટ છે. આ સાથે આતંકીઓના પોસ્ટરો પણ જાહેર કરાયા છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, જોકે દર વર્ષે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં સુરક્ષા વધારાય જ છે અને આતંકી હુમલાના ઇનપુટ પણ મળતા રહે છે. આતંકી સંગઠનો દર વખતે આ દિવસોને ધ્યાનમાં રાખીને જ હુમલા કરવાના પ્રયાસો કરતા રહ્યા છે. જોકે સુરક્ષા વધતાં તેઓ સફળ નથી થતાં. હાલ દિલ્હીની સરહદોએ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. અને મોટી સંખ્યામાં એકઠા થયા છે આ સાથે જ ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું પણ ૨૬મીએ આયોજન કર્યું છે એ દિલ્હી પોલીસ માટે મોટો પડકાર પણ છે.
દિલ્હીના કનોડ પ્લેસના એસીપી સિદ્ધાર્થ જૈને કહ્યું કે, ૨૬મીએ ખાલિસ્તાની સંગઠન અને અલકાયદા હિંસક કાવતરાને અંજામ આપી શકે છે. અમે વોન્ટેડ આતંકીઓના પોસ્ટરો પણ જાહેર કર્યા છે કે જેથી તેમની કોઇ પણ પ્રકારની જાણકારી લોકો પાસે હોય તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે.
ખેડૂતો રેલીની તૈયારીમાં
ઉલ્લેખનીય છે કે, ખેડૂત કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. તે દરમિયાન ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને લઇને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવાઇ આગામી ૨૦ જાન્યુઆરી સુધી ટળી ગઈ છે. જો કે સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રવેશનો સવાલ કાનૂન અને વ્યવસ્થાનો વિષય છે અને દિલ્હીમાં કોણ આવશે અને કોણ નહીં આવે તે દિલ્હી પોલીસે જ નક્કી કરવાનું છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસે ટ્રેક્ટર માર્ચને લઇને આ અરજી દાખલ કરી છે. પોલીસે કોર્ટને આ રેલી પર પ્રતિબંધ મૂકવાની અરજી કરી છે. દિલ્હી પોલીસે આના માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તે કારણ જણાવ્યું છે.
બીજી તરફ કૃષિ કાયદાઓ મુદ્દે કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચેની મડાગાંઠનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને ૫૩ દિવસથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં બંનેમાંથી એક પણ પક્ષ નમતું ઝોખવા તૈયાર નથી. ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે, ખેડૂતો કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ સામે ૨૦૨૪ની ચૂંટણીઓ સુધી દેખાવો કરવા માટે તૈયાર છે.

પરેડમાં પ્રથમ જ વાર રાફેલ વિમાન ભાગ લેશે

૨૬ જાન્યુઆરીએ થનારી પરેડમાં આ વખતે પ્રથમ વાર રાફેલ વિમાનો ઉડાન ભરશે. ભારતીય વાયુસેના પરેડ દરમિયાન મેક ઇન ઇન્ડિયા થીમ પર મહત્ત્વનાં લડાયક વિમાનોને પરેડમાં ઉતારશે. પ્રજાસત્તાક દિન પરેડમાં કુલ ૪૨ વિમાન ભાગ લેવાનાં છે. તેમાં રાફેલ ઉપરાંત સુખોઇ - ૩૦, મિગ - ૨૯, જગુઆર અને અન્ય વિમાનો પણ ભાગ લેશે. ચિનુક ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર, અપાચે, કોમ્બાટ હેલિકોપ્ટર અને સી ૧૩૦ ટ્રાન્સપોર્ટ વિમાન પણ પરેડમાં ભાગ લેશે. પરેડમાં તેજસ, એસ્ટ્રા મિસાઈલ અને રોહિણી સર્વેલન્સ રડાર પણ ભાગ લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter