પ્રજાસત્તાક પર્વઃ ઉત્સાહ, અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીકોની અદભૂત ઝાંખી

Wednesday 01st February 2023 04:44 EST
 
 

ભારતમાં 26મી જાન્યુઆરીએ 74મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં વિવિધ રાજ્યોના જાતજાતના અને ભાતભાતના ટેબ્લો, લશ્કરી દળોની તાકાતના શસ્ત્રોના પ્રદર્શન તથા લશ્કરી દળોના જવાનો - દ્વારા કરવામાં આવેલા કરતબની સાથેના રંગારંગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. વિવિધ પ્રકારના ટેબ્લોમાં ગુજરાતનો ક્લીન ઊર્જાનો સંદેશ આપતો ટેબ્લો આગવું આકર્ષણ બન્યો હતો. દરેક રાજ્યના ટેબ્લોમાં ગુજરાત દેશના ગુરુપદે હોવાની સાથે આધ્યાત્મિકતાની જોડે આધુનિકતાનો સમન્વય સાધતો હોય તેવો ટેબ્લો હતો. મહારાષ્ટ્રના ટેબ્લોમાં ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સિવાય લશ્કરના જવાનોના કરતબ પણ જબરજસ્ત હતા, લોકો તેને જોઈને મોઢામાં આંગળા નાખી ગયા હતા. ભારતીય સશસ્ત્ર દળોએ પણ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ આર્મી ટેન્ક આ પ્રદર્શનમાં બતાવાઈ હતી. તેની સાથે દેશના જ એકમ ડીઆરડીઓ દ્વારા વિક્સાવવામાં આવેલા શસ્ત્રો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ વખતની પરેડમાં ભારતીય લશ્કરને આત્મનિર્ભર બનાવવા માટેના થયેલા પ્રયાસોની અસર દેખાતી હતી. આકાશથી લઈને પ્રલય મિસાઇલની હાજરી તથા વિવિધ ડ્રિસ્ટોયરનું પ્રદર્શન આ વાત દર્શાવતું હતું કે ભારત વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ભારત આગામી સમયમાં શસ્ત્રોના આયાતકારમાંથી મોટું નિકાસકાર બની જાય તો પણ કોઈને આશ્ચર્ય નહી લાગે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં ભારત 70 હજાર કરોડના શસ્ત્રોની નિકાસ કરવાનું આયોજન ધરાવે છે. ભારત સરકાર 2024 સુધીમાં લશ્કરને 75 ટકા આત્મનિર્ભર બનાવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter