પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આરંભ હવે નેતાજી જયંતીથી

Saturday 22nd January 2022 04:50 EST
 
 

નવી દિલ્હીઃ સેના દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સંબોધનમાં એક મોટું એલાન કરાયું હતું. હવેથી પ્રજાસત્તાક પર્વની સત્તાવાર ઉજવણી કાર્યક્રમનો આરંભ ૨૪ જાન્યુઆરીના બદલે ૨૩મી જાન્યુઆરીથી થઈ જશે. જેથી સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝની જયંતીને પણ આ ઉજવણીમાં સામેલ કરી શકાય. આ નિર્ણય ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિના મહત્ત્વના પાસાઓને ઉજવવા અને મનાવવાના મોદી સરકારના અભિગને અનુરૂપ છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ પહેલા સુભાષચંદ્ર બોઝની જયંતીને પરાક્રમ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
જોકે નેતાજીના ટેબ્લોને નામંજૂરીથી વિવાદ
પ્રજાસત્તાકદિન પ્રસંગે રાજધાની નવી દિલ્હીમાં યોજાતા સમારંભમાં બંગાળનો ટેબ્લોને નકારી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નારાજગી દર્શાવ છે. પશ્ચિમ બંગાળ સરકારે સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતીને કેન્દ્રમાં રાખીને ટેબ્લો તૈયાર કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રજાસત્તાક દિનની થીમ આઝાદીનો અમૃત મહોત્સવ છે. આઝાદીના ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યા હોવાથી આ થીમ રખાઈ છે. જોકે, બંગાળ સરકારે સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતીને ધ્યાનમાં રાખીને તેમના પર ફોકસ કરીને ટેબ્લો તૈયાર કર્યો હતો.
એરફોર્સ દ્વારા ભવ્ય ફ્લાયપાસ્ટ
આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ યોજાશે. આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા ૧૭ જેગુઆર ફાઈટર વિમાન ‘75’ના ફોર્મેશનમાં ઉડાન ભરશે. રાજપથના ફ્લાયપાસ્ટમાં પાંચ રાફેલ સહિત ૭૫ વિમાન કરતબ બતાવશે. વિંગકમાન્ડર ઈન્દ્રનીલ નંદીએ કહ્યું કે રાજપથ પર પરેડ દરમિયાન એરફોર્સ, આર્મી અને નેવીનાં વિમાનો સાથે અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે. ૧૯૭૧ના યુદ્ધમાં મળેલા વિજયને ભવ્ય અંજલી આપવા એક ડાકોટા વિમાન અને બે ડોર્નિયર વિમાન વિક્ટરીના ‘V’ આકારનું ફોર્મેશન રચશે.
ગણતંત્ર દિવસ સમારોહમાં પાંચ મધ્ય એશિયાઈ દેશો - કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય અતિથિ બનશે.
માત્ર ૨૪ હજાર લોકોને મંજૂરી
ત્રીજી લહેરમાં વકરતા સંક્રમણના સંકટ વચ્ચે યોજાનાર ગણતંત્ર દિવસ પરેડમાં આ વખતે ૨૪ હજાર લોકો જ સામેલ થઈ શકશે. કોરોના મહામારીથી પહેલાં ૨૦૨૦માં યોજાયેલી ગણતંત્ર દિવસ પરેડમાં સવા લાખ લોકોને સામેલ થવાની છૂટ અપાઈ હતી. ગણતંત્ર દિવસના અવસરે વિદેશી મહેમાનોને નિમંત્રણ આપવાની પરંપરા છે પરંતુ કોરોનાના ખતરાને ધ્યાને લેતાં આ વખતે વિદેશી મહેમાનોને પણ મોટી સંખ્યામાં સામેલ નહીં કરાય.
તિરંગાનું અપમાન ન થાય તે જોજો
ગણતંત્ર દિવસ પૂર્વે કેન્દ્ર ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તિરંગાનું સન્માન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરે યોજાતા કાર્યક્રમોમાં જનતા દ્વારા લહેરાવવામાં આવતાં કાગળના તિરંગાને ફાડવામાં ન આવે તેમજ તેને જમીન ઉપર પણ ફેંકવામાં ન આવે તેની ખાસ કાળજી લેવાની રહેશે. ગૃહ મંત્રાલયે એડવાઈઝરીમાં ભારતીય ધ્વજસંહિતાનું કડકાઈથી પાલન કરાવવા સૂચના આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter