નવી દિલ્હીઃ દેશના ૭૦મા ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી રાજધાની દિલ્હીમાં ધામધૂમથી કરાઈ હતી. કડક સુરક્ષા વ્યવસ્થા અને ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેબિનેટ પ્રધાનોની હાજરી હતી. સામાન્ય રીતે દેશના ગણતંત્ર દિવસે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે છે. આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ સન્માનની જાહેરાત કરી હતી. જેમાં ૩ મહાનુભાવો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતજ્ઞ ભૂપેન હજારિકા અને સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખને ભારત રત્ન સન્માનની ઘોષણા થઈ હતી. આ સાથે ચાર પદ્મ વિભૂષણ સહિત ૧૧૨ મહાનુભાવોને પદ્મ એવોર્ડ ઘોષિત કરાયા હતાં.
ભારતમાં અપાતો સર્વોચ્ચ એવોર્ડઃ ભારત રત્ન
ભારત રત્ન ભારતમાં અપાતો સર્વોચ્ચ એવોર્ડ છે અને દેશસેવામાં અસાધારણ પ્રદાન બદલ ૧૯૫૪થી દર વર્ષે આ સન્માન આપવામાં આવે છે. પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન આ વર્ષે પ્રાપ્ત થયું છે. કોંગ્રેસી નેતા તરીકેની ઓળખ ધરાવતા બંગાળી બાબુ પ્રણવ મુખર્જી ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભારતના તેરમાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી પાંચ દાયકા કરતા વધુ સમયમાં ફેલાયેલી છે. હવે જોકે તેઓ રાજકારણમાં નથી, પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત જીવન ગાળે છે.
પ્રણવ મુખર્જી કેન્દ્રમાં સંરક્ષણ, નાણા સહિતના વિવિધ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. જોકે તેમની નોંધપાત્ર કામગીરી નાણાપ્રધાન તરીકેની ગણાય છે. તેમના કાર્યકાળમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ તળિયે પહોંચી ગયુ હતુ. એ વખતે પ્રણવ મુખર્જીએ પોતાની આવડત દ્વારા દેશની હુંડિયામણ તિજોરી ભરી આપી હતી.
પ્રણવ મુખર્જી સિવાયના બંને એવોર્ડ મરણોપરાંત છે. મહારાષ્ટ્રના હુગલીમાં ૧૯૧૬માં જન્મેલા નાનાજીનું ૨૦૧૦માં અવસાન થયું હતુ. તેઓ સામાજિક કાયકર્તા તરીકે વધુ જાણીતા હતા. જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનામાં તેમની સક્રિય ભૂમિકા હતી. ભાજપના પૂર્વ પક્ષ જનસંઘના તેઓ નેતા હતા.
૧૯૯૯માં તેમને પદ્મ વિભૂષણથી સરકારે સન્માનિત કર્યાં હતાં. ઈન્દિરા ગાંધી સામે જય પ્રકાશ નારાયણે શરૂ કરેલી ચળવળમાં પણ નાનાજી દેશમુખે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમને આ સન્માન જાહેર થયા પછી વડા પ્રધાને ટ્વિટ કરી હતી કે, ગ્રામોત્થાન માટે નાનાજીએ કરેલી કામગીરીએ આપણને હંમેશા નવી દિશા ચિંધી બતાવી છે. વડા પ્રધાને ટ્વિટ દ્વારા ત્રણેય મહાનુભાવોનું ભારતના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન હોવાનું જણાવ્યું હતું.
આસામના સંગીતજ્ઞ, ગીતકાર, ફિલ્મ સર્જક, કવિ ભૂપેન હજારિકાનું ૨૦૧૧માં અવસાન થયું હતુ. તેમને પણ આ સન્માન મરણોપરાંત જાહેર થયું છે.
નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સર્જાતી ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાનું કામ ભૂપેન હજારિકાએ કર્યું હતું. દસ વર્ષની વયે જ તેમણે આસામી ભાષાની ફિલ્મો માટે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મ ‘રૂદાલી’માં તેમણે ગાયેલું ગીત ‘દિલ હુમ હુમ કરે...’ ઘણું લોકપ્રિય પણ થયું હતું. તેમને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી, પદ્મભૂષણ સન્માન મળી ચૂક્યાં છે.
ચાર પદ્મવિભૂષણ સહિત ૧૧૨ પદ્મ એવોર્ડ
સરકારે ગણતંત્ર દિનની પૂર્વસંધ્યાએ ૧૧૨ પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં ચાર પદ્મ વિભૂષણ, ૧૪ પદ્મભૂષણ અને ૯૪ પદ્મશ્રીનો સમાવેશ થાય છે. જે પૈકી ૨૧ મહિલા અને ૧૧ વિદેશી, ત્રણ મરણોત્તર અને એક ટ્રાન્સ જેન્ડરનો સમાવેશ થાય છે.
સરકાર લોકસંગીત ક્ષેત્રે વિશિષ્ટ સેવા બદલ છત્તીસગઢના તેજનબાઈ, સામાજિક બાબતોમાં સેવા બદલ જીલોટીના વિદેશી ઈસ્માઈલ ઓમર ગુલેહ, વેપાર ક્ષેત્રે મહારાષ્ટ્રના અનિલ મણિભાઈ નાયક અને અભિનય ક્ષેત્રે મહારાષ્ટ્રના બલવંત મોરેશ્વર પુરંદરેને પદ્મ વિભૂષણ એવોર્ડ જાહેર થયા હતા.
પદ્મભૂષણ મેળવનારાઓમાં દક્ષિણ આફ્રિકાનાં ગુજરાતી પ્રવીણ ગોરધન (જાહેર સેવા) અને બિહાર ભાજપના સાંસદ હુકમદેવ નારાયણ યાદવ સહિત ૧૪ વિભૂતિનો સમાવેશ થાય છે. પત્રકાર કુલદીપ નાયરને મરણોત્તર પદ્મ ભૂષણ અપાયો છે.
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ૯૪ વિભૂતિઓ પૈકી અભિનય અને ફિલ્મ ક્ષેત્રે મહારાષ્ટ્રના મનોજ વાજપેયી, ચિત્રકળા ક્ષેત્રે ગુજરાતના જ્યોતિ ભટ્ટ, સામાજિક કલ્યાણ ક્ષેત્રે ગુજરાતના મુકતાબહેન પંકજકુમાર ડગલી, નૃત્યકળા ક્ષેત્રે કર્ણાટકના પ્રભુ દેવા, રમતજગત ક્ષેત્રે દિલ્હીના ક્રિકેટર ગૌતમ ગંભીર, લોકકળા ક્ષેત્રે ગુજરાતના જોરાવર સિંહ જાદવ, ફિલ્મ ક્ષેત્રે કાદર ખાનને મરણોત્તર, લોક ચિત્રકળા ક્ષેત્રે ગુજરાતના અબ્દુલ ગફુર ખત્રી, કૃષિ ક્ષેત્રે ગુજરાતના વલ્લભભાઈ વશરામભાઈ મારવાણિયા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અમેરિકાના ગીતાબહેન મહેતા - ગણપતભાઈ પટેલ તથા આર્કિટેકચર ક્ષેત્રે ગુજરાતના બિમલ પટેલનો સમાવેશ થાય છે.
ગણતંત્ર દિનની ભવ્ય ઉજવણી
પ્રજાસત્તાક દિને રાજકીય ઉજવણી પ્રસંગે દિલ્હીમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા ટેબ્લો પણ રાજઘાટ પરથી પસાર થયા હતા.
ઉલ્લેખનીય છે કે ત્રાસવાદી હુમલાની દહેશતના કારણે દિલ્હી પોલીસના ૨૫,૦૦૦ જવાનો રાજઘાટ ફરતે ગોઠવી દેવાયા હતા. પોલીસે જણાવ્યું કે, કુલ ૪૯૦૦૦ સુરક્ષા જવાનો પૈકી અર્ધલશ્કરી દળના ૧૫૦૦૦ અને દિલ્હી પોલીસના ૨૫૦૦૦ જવાનો ગોઠવાયા હતા. આ ઉપરાંત વિજય ચોકથી શરૂ કરીને રાસસિના હિલ ટોપ સુધીના પરેડ રૂટ પર નજર રાખવા માટે આશરે ૧૫૦૦૦ સીસીટીવી હતા. રાજપથના ત્રણ કિલોમીટર લાંબા પટ્ટા પર ૨૫૦ સીસીટીવી કેમેરા ગોઠવાયા હતા.
વિવિધતા આપણી મોટી તાકાત: રાષ્ટ્રપતિ
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે દેશના સંસાધનો પર આપણા સૌનો સમાન અધિકાર છે, પછી આપણે કોઈપણ સમૂહના હોય, કોઈપણ સમુદાયના હોઈએ કે પછી કોઈપણ પ્રદેશના હોઈએ. તેમણે કહ્યું હતું કે ભારતની વિવિધતા જ આપણી સૌથી મોટી તાકાત છે. આપણી ડાઈવર્સિટી, ડેમોક્રસી અને ડેવલપમેન્ટ, સમગ્ર દુનિયા સમક્ષ એક ઉદાહરણ સમાન છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ સાથે ચૂંટણી પ્રક્રિયામાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગે પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે મતદારોએ પણ ચૂંટણી પંચની સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને પારદર્શિતામાં ‘દૃઢ વિશ્વાસ' રાખવો જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી પંચ સંબંધિત આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ની વિશ્વસનીયતા અંગે સવાલો થઈ રહ્યા છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ઈવીએમના સ્થાને બેલેટ પેપરના ઉપયોગની માગ વિવિધ વિપક્ષો દ્વારા થઈ રહી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તમામ વર્ગો અને તમામ સમુદાયોને યોગ્ય સ્થાન આપનારા રાષ્ટ્ર તરીકે આગળ વધતા આપણે એક એવા સમાજનું નિર્માણ કરવાનું છે જેમાં દરેક પુત્રી-પુત્રની વિશેષતા, ક્ષમતા અને પ્રતિભાની ઓળખ થાય અને તેના વિકાસ માટે દરેક પ્રકારની સુવિધાઓ અને પ્રોત્સાહન ઉપલબ્ધ હોય. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આપણા મહાન ગણતંત્રએ લાંબા યાત્રા કરી છે પણ આપણે હજુય આગળ જવાનું છે. ખાસ કરીને વિકાસની દોડમાં પાછળ રહેલા આપણા ભાઈ-બહેનોને સાથે લઈને આપણે આગળ વધવાનું છે.
રાષ્ટ્રપતિએ ‘ગણરાજ્યના ઉચ્ચ આદર્શોને યાદ કરવાના અવસર' નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી.
તેમણે કહ્યું હતું કે ગણતંત્ર દિવસ નિમિત્તે દેશના તમામ નાગરિકો માટે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના આદર્શો પ્રત્યે પોતાની આસ્થા દર્શાવવાનો આ અવસર છે.


