પ્રતિબંધિત ગાંજાની ખેતી પર નભે છે આ ગામ

Wednesday 07th December 2016 06:37 EST
 
 

માલાના (હિમાચલ પ્રદેશ)ઃ હિમાલચ પ્રદેશમાં હિમાલયની પહાડીઓ પર ૮૮૫૯ ફીટ ઊંચાઈ પર માલાના ગામ આવેલું છે. આ ગામ ભારે રહસ્યમ અને રસપ્રદ છે. આખુ ગામ તેની સદીઓ જૂની પરંપરાને જાળવવા માટે જાણીતું છે. વધારે નવાઈની વાત એ છે કે ગામની આવકનું એકમાત્ર સાધન ગાંજો છે. આખા દેશની માફક ગાંજો અહીં પણ પ્રતિબંધિત છે, છતાં પણ લોકોનું ગુજરાન ગાંજા પર જ ચાલે છે.
કુલુ ખીણ પાસે આવેલા માલાના સુધી જવાનો કોઈ સીધો રસ્તો નથી માટે નજીકના રોડ પર ઉતર્યા પછી ચાર દિવસનું હાઈકિંગ (પહાડોમાં ચાલીને) ગામ સુધી જઈ શકાય છે. આ ગામની પોતાની કોર્ટ અને સંસદ છે. અહીં ઉભા થતાં પ્રશ્નોનું ગામવાસીઓ પોતાની રીતે જ નિરાકરણ કરી લે છે. બહારના લોકોને તેમાં સામેલ કરાતા નથી.
ગામવાસીઓ પોતાને એલેક્ઝાન્ડરના વારસદારો માને છે. એલેક્ઝાન્ડર દુનિયા જીતવા નીકળ્યો હતો, ત્યારે અહીં પણ રોકાયો હતો. લોકોને પ્રકૃત્તિમાં ભારે શ્રદ્ધા છે માટે પહાડોને પોતાના દેવતા, નદીઓને માતા માનીને તેમની પૂજા કરે છે.
ગામ અહીં ઊગતા પ્રતિબંધિત ગાંજા માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. ૧૯૮૫થી ભારતમાં ગાંજાનું સેવન પ્રતિબંધિત છે. પરંતુ અહીં ઉગાડાતા ગાંજા પર સરકારી નિયમ લાગુ કરી શકાતો નથી. કેમ કે પહાડી દુર્ગમતા વચ્ચે આવેલા આ ગામની આવકનું એકમાત્ર સાધન ગાંજાનો પાક છે. જો ગાંજો ઉગાડવાની છૂટ ન મળે તો અહીં હિમાલયના બર્ફીલા વાતાવરણ વચ્ચે બીજુ કંઈ પેદા કરી શકાતું નથી. આમેય હિમાચલ પ્રદેશનો આ વિસ્તાર સદીઓથી ગાંજાના ઉત્પાદન માટે જાણીતો છે. ઘણા પરદેશીઓ અહીં માત્ર ગાંજા માટે જ આવતાં હોવાના કિસ્સા પણ છે.
ગામવાસીઓને રાશન જેવી પ્રાથમિક જરૂરિયાતની ચીજો ખરીદવા માટે પણ કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે. આ ગામ વળી માલાના ક્રીમ માટે પણ જાણીતું બન્યું છે. નામ ક્રીમ છે, પરંતુ હકીકતે એ એક પ્રકારની ગાંજાની પ્રોડક્ટ છે, જેનો ઉપયોગ પીવા માટે એટલે કે ફૂંકવા માટે થાય છે. કુલ મળીને આ વર્ષે ગામમાં ૨૪૦ હેક્ટરમાં ગાંજાનું વાવેતર થયું છે, જેમાંથી કુલ ૧૨ હજાર કિલોગ્રામ ગાંજો પેદા થવાની શક્યતા છે. જોકે સ્થાનિક જાણકારોના કહેવા પ્રમાણે ઉત્પાદન સરકારી આંકડાઓ કરતાં ઘણુ વધારે થતું હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter